નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રામાણિક કરદાતાઓના સન્માનમાં ‘ટ્રાન્સપરન્ટ ટેક્સેશન, ઓનરિંગ ધ ઓનેસ્ટ’ પ્લેટફોર્મને લોન્ચ કર્યું છે. આ પ્લેટફોર્મમાં ફેસલેસ એસેસમેન્ટ, ફેસલેસ અપીલ અને ટેક્સપેયર્સ ચાર્ટર જેવા મોટા સુધારા સામેલ છે. સરકારે ફેસલેસ એસેસમેન્ટ અને ટેક્સ પેયર્સ ચાર્ટર આજથી લાગુ કરી દીધું છે. જ્યારે ફેસલેસ અપીલની સુવિધા 25 સપ્ટેમ્બર એટલૈ કે દીનદયાળ ઉપાધ્યાયજીના જન્મદિવસે દેશમાં નાગરિકો માટે ઉપલબ્ધ થશે. આ પ્રસંગે વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે હવે ટેક્સ સિસ્ટમ ભલે ફેસલેસ થઈ રહી છે, પણ ટેક્સપેયરને એ ફેરનેસ અને ફિયરલેસનેસનો વિશ્વાસ આપશે. જેથી કેન્દ્ર સરકાર પ્રતિ કરદાતાઓનો વિશ્વાસ વધે.
વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ શરૂઆતમાં નાણાપ્રધાન નિર્મલા સીતારામન અને નાણાં અને કોર્પોરટ બાબતોના રાજ્યપ્રધાન અનુરાગ સિંહ ઠાકુર પણ ઉપસ્થિત રહ્યા હતા.
નવા સુધારાથી સરકારની દખલ ઓછી
દેશમાં પ્રામાણિક કરદાતા રાષ્ટ્રનિર્માણમાં મોટી ભૂમિકા ભજવે છે. દેશમાં પ્રામાણિક ટેક્સપેયરનું જીવન સરળ બને છે, તે આગળ વધે છે તો દેશનો પણ વિકાસ થાય છે. આજથી શરૂ થઈ રહેલી નવી વ્યવસ્થાઓ, નવી સુવિધાઓ, મિનિમમ ગવર્નમેન્ટ, મહત્તમ ગવર્નન્સના પ્રતિ અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરે છે. આ દેશવાસીઓના જીવનથી સરકારને, સરકારની દખલને ઓછી કરવાની દિશામાં એક મોટું પગલું છે. આ નવા ભારતના નવા ગવર્નન્સ મોડલનો પ્રયોગ છે અને એનાં સારાં પરિણામો દેશમાં જોવા મળ્યાં છે, એમ તેમણે કહ્યું હતું.
સુપ્રીમમાં બે કરોડ રૂપિયા સુધીના કેસની સુનાવણી
દેશમાં ટેક્સ સિસ્ટમમાં ફંડામેન્ટલ અને માળખાકીય સુધારાની જરૂર હતી, જેથી આવકવેરા કાયદામાં સુધારા કરવામાં આવ્યા છે. હાઇકોર્ટમાં એક કરોડ રૂપિયા સુધીના અને સુપ્રીમ કોર્ટમાં બે કરોડ રૂપિયા સુધીની મર્યાદા નક્કી કરવામાં આવી છે. વિવાદથી વિશ્વાસ જેવી યોજનાઓથી પ્રયાસ એ છે કે મોટા ભાગના મામલા કોર્ટની બહાર સમાધાન કરવામાં આવે. ટેક્સ પ્રણાલીને સીમલેસ, પેનલેસ અને ફેસલેસ બનાવવાના પ્રયાસ છે. સીમલેસ એટલે કે ટેક્સ એડમિનિસ્ટ્રેશન, દરેક ટેક્સપેયરને ગૂંચવણમાં મૂકવાને બદલે સમસ્યા ઉકેલવા માટે કામ કરવામાં આવે. પેનલેસ એટલે કે ટેક્નોલોજીથી માંડીને નિયમો સુધી બધું સરળ હોય.
ટેક્સ ભરવામાં સક્ષમ લોકો આગળ આવે
વર્ષ। 2013-14માં જેટલા ટેક્સ રિટર્ન્સ ભરવામાં આવ્યાં હતાં, એમાંથી 0.94 ટકા સ્ક્રૂટિની થતી હતી. વર્ષ 2018-19માં એ આંકડો ઘટીને 0.26 ટકા થયો છે. એટલે કે સ્ક્રૂટિની આશરે ચાર ગણી ઘટી છે. આમાં થયેલો ઘટાડો જણાવે છે કે બદલાવ કેટલો વ્યાપક છે.
આ બધા પ્રયાસોની વચ્ચે છેલ્લાં 6-7 વર્ષમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાવાળાઓની સંખ્યામાં આશરે અઢી કરોડનો વધારો થયો છે. જોકે આ પણ 130 કરોડની વસતિવાળા દેશમાં ઘણો ઓછો છે. આટલા મોટા દેશમાં માત્ર 1.5 કરોડ લોકો જ ઇન્કમ ટેક્સ ભરે છે અને જે ટેક્સ આપવામાં સક્ષમ છે, પણ હજી તેઓ ટેક્સની જાળમાં નથી. સ્વયંસ્ફુરણાથી આગળ આવો, મારો આગ્રહ છે અને આશા પણ છે, એમ તેમણે કહ્યું હતું.
ટેક્સ કાયદો સરળ બનાવવા પર ફોકસ
આ પહેલાં નાણાં મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે ટેક્સ રિફોર્મ ટેક્સ રેટમાં ઘટાડો કરવા અને પ્રત્યક્ષ ટેક્સના કાયદાઓનું સરળીકરણ કરવા પર ફોકસ રહ્યું છે. ઇન્કમ ટેક્સના કામકાજમાં પારદર્શિતા લાવવા માટે CBDTએ અનેક પગલાં લીધાં છે. હાલમાં જ શરૂ કરવામાં આવેલી ડોક્યુમેન્ટ્સ આઇડેન્ટિફિકેશન નંબર (DIN)ના દ્વારા સત્તાવાર સંદેશવ્યવહારમાં વધુ પારદર્શિતા લાવવાના ઉપાયોમાં સામેલ છે. જેના હેઠળ વિભાગના દરેક કોમ્યુનિકેશન અથવા પત્ર-વ્યવહાર પર કોમ્પ્યુટર જનરેટેડ એક યુનિક DIN હોય છે.
આ જ રીતે કરદાતાઓ માટે કોમ્પ્લાયન્સને વધુ સરળ કરવા માટે ઇન્કમ ટેક્સ વિભાગ હવે પહેલેથી ભરેલા ઇન્કમ ટેક્સ ફોર્મ ઉપલબ્ધ કરાવી રહ્યો છે, જેથી પર્સનલ ટેક્સપેયર્સ માટે કોમ્પ્લાયન્સને વધુ સુવિધાજનક બનાવી શકાય. આ જ રીતે સ્ટાર્ટઅપ્સ માટે પણ કોમ્પ્લાયન્સ માપદંડોને સરળ બનાવવામાં આવ્યા છે.