નવી દિલ્હી– મોદી સરકારે તેમના કાર્યકાળ દરમિયાન અત્યાર સુધીમાં સરકારી યોજનાઓના પ્રચાર પ્રસાર માટેની જાહેરાતો પર 5245.73 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન રાજ્યવર્ધનસિંહ રાઠોરે ગુરુવારે લોકસભાને સંબોધિત કરતાં કહ્યું કે, વર્ષ 2014થી 7 ડિસેમ્બર 2018ના સમયગાળા દરમિયાન આ રકમ સરકારી યોજનાઓની જાહેરાત સંદર્ભે ખર્ચ કરવામાં આવી છે.
લોકસભામાં એક સવાલનો જવાબ આપતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન રાજ્યવર્ધનસિંહ રાઠોરે કહ્યું હતું કે, વિભિન્ન મંત્રાલયો અને વિભાગોની યોજનાઓને લાભાર્થીઓ વચ્ચે પહોંચાડવા માટે તેની જાહેરાતો પાછળ ચાર વર્ષમાં 5245.73 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ યોજનાઓ સંદર્ભે પ્રચાર અને જાગરૂકતા માટે પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને આઉટડોર મીડિયાનો સહારો લેવામાં આવ્યો હતો.
વર્ષ 2014 15માં પ્રિન્ટ મીડિયામાં જાહેરાતો પાછળ 424.84 કરોડ રૂપિયા, ઈલેક્ટ્રોનિક મીડિયામાં 473.67 કરોડ રૂપિયા, આઉટડોર પબ્લિસિટી માટે 81.27 કરોડ રૂપિયા એમ કુલ 979.78 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
વર્ષ 2015 16માં પ્રિન્ટ મીડિયામાં જાહેરાતો પાછળ 508.22 કરોડ રૂપિયા, ઈલેક્ટ્રોનિક મીડિયામાં 531.60 કરોડ રૂપિયા, આઉટડોર પબ્લિસિટી પાછળ 120.34 કરોડ રૂપિયા એમ કુલ 1160.16 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
વર્ષ 2016 17માં પ્રિન્ટ મીડિયામાં જાહેરાતો પાછળ 468.53 કરોડ રૂપિયા, ઈલેક્ટ્રોનિક મીડિયામાં 609.14 કરોડ રૂપિયા, આઉટડોર પબ્લિસિટી માટે 186.59 કરોડ રૂપિયા એમ કુલ 1264 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
વર્ષ 2017 18માં પ્રિન્ટ મીડિયામાં સરકારી યોજનાઓની જાહેરાતો પાછળ 636.09 કરોડ રૂપિયા, ઈલેક્ટ્રોનિક મીડિયામાં 468.93 કરોડ રૂપિયા, આઉટડોર પબ્લિસિટી માટે 208.55 કરોડ રૂપિયા એમ કુલ 1313.57 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
2018 19ના નાણાંકીય વર્ષમાં સાતમી ડિસેમ્બર 2018 સુધીમાં પ્રિન્ટ મીડિયામાં યોજનાઓની જાહેરાતો પાછળ 244.32 કરોડ રૂપિયા, ઈલેક્ટ્રોનિક મીડિયામાં 229.25 કરોડ રૂપિયા, આઉટડોર પબ્લિસિટી પાછળ 54.39 કરોડ રૂપિયા એમ કુલ 527.96 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.