વધુ સખ્ત થયો POCSO એક્ટ, મોદી કેબિનેટે મૃત્યુદંડ સુધીની સજાને મંજૂરી આપી

નવી દિલ્હી- વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં શુક્રવારે પોક્સો (POCSO) એક્ટ હેઠળ મૃત્યુદંડની સજાને મંજૂરી આપી દીધી છે. કેબિનેટે 18 વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ સામે થતી દુષ્કર્મ અને હત્યા જેવી ગંભીર ઘટનાઓમાં ગુનેગારોને મોતની સજા માટે બનાવેલા પોક્સો એક્ટમાં સુધારાને મંજૂરી આપી દેવામાં આવી છે. કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે આ અંગે જાણકારી આપી હતી.

કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે, પોક્સો એક્ટમાં મોટા ફેરફારો કરવામાં આવી રહ્યાં છે. બાળકોના યૌન ઉત્પીડન કરનારા ગુનેગારો માટે સજાની જોગવાઈમાં વધારો કરવામાં આવ્યો છે. બાળકો યૌન હુમલાના શિકાર ન થાય તે હેતુથી આ ફેરફાર કરવામાં આવી રહ્યાં છે.

સરકાર દ્વારા જારી કરેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, એક્ટના અન્ય સેકશન 4,5 અને 6માં પણ સંશોધન કરવામાં આવશે. જેના માધ્યમથી બાળકોને યૌન શોષણથી બચાવવા માટે અને બાળકો પર થતાં ગંભીર યૌન ઉત્પીડનના અપરાધો માટે મોતની સજા સહિત સખ્તમાં સખ્ત સજાનો વિકલ્પ આપવામાં આવશે.