‘ગગનયાન’ મિશનને લીલી ઝંડી મળી; ભારત પહેલી જ વાર ત્રણ વ્યક્તિને અવકાશમાં મોકલશે

નવી દિલ્હી – ભારતના પ્રથમ માનવસહિતના અવકાશ સંશોધન પ્રોજેક્ટ ‘ગગનયાન’ને આજે કેન્દ્રીય પ્રધાનમંડળે મંજૂરી આપી દીધી છે. આ યોજના અંતર્ગત દેશી ટેક્નોલોજીના માનવ અવકાશફ્લાઈટ મિશનમાં આગળ વધવાની સરકાર તરફથી પરવાનગી મળી ગઈ છે. આ મિશનમાં ત્રણ ભારતીય અવકાશયાત્રીઓને ઓછામાં ઓછા સાત દિવસ માટે અવકાશમાં મોકલવામાં આવશે. આ યોજના માટે રૂ. 10 હજાર કરોડનું બજેટ નક્કી કરાયું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ મળેલી કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં આજે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અવકાશયાત્રીઓ સાથેના ‘ગગનયાન’ને GSLV Mk-lll રોકેટની મદદથી સ્પેસમાં મોકલવામાં આવશે. ત્રણ-સભ્યોની ટૂકડી મિશનની મુદતના દિવસો રહી શકે એ માટેની તમામ આવશ્યક વ્યવસ્થા અને જોગવાઈઓ અવકાશયાનમાં કરવામાં આવશે.

ગગનયાન યોજના સફળ થાય એ માટે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) સંસ્થા રાષ્ટ્રીય એજન્સીઓ, લેબોરેટરીઓ, શિક્ષણશાસ્ત્રીઓ તથા ઉદ્યોગમહારથીઓ સાથે સહયોગ કરશે.

આ યોજના માટે જે રૂ. 10 હજાર કરોડનું બજેટ નક્કી કરાયું છે અને એમાં ટેક્નોલોજી ડેવલપમેન્ટ, ફ્લાઈટ હાર્ડવેર રિયલાઈઝેશન તથા જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાધનસામગ્રીઓ માટેના ખર્ચનો સમાવેશ થાય છે. ‘ગગનયાન’ યોજનાના ભાગરૂપે બે માનવરહિત યાન તથા એક માનવસહિત યાન તૈયાર કરવામાં આવશે.

‘ગગનયાન’ યોજનાને લીધે એડવાન્સ્ડ ટેક્નોલોજી તેમજ માનવ સંસાધાનોને તાલીમ આપવાના ક્ષેત્રમાંરોજગારની તકોનું નિર્માણ થશે. તદુપરાંત આ યોજનાને પગલે દેશમાં અનેક યુવા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય ઘડતર માટે વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરણા મળશે.

ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ 15 ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે લાલ કિલ્લા પરથી કરેલા દેશવ્યાપી સંબોધનમાં ‘ગગનયાન’ યોજના અને ભારત દ્વારા પહેલી જ વાર અવકાશયાત્રીઓને સ્પેસમાં મોકલવાના મિશનની જાહેરાત કરી હતી.

આ પ્રોજેક્ટમાં ભારતને રશિયાનો સહયોગ મળશે. અવકાશયાત્રીઓમાં એક મહિલા અને બે પુરુષ હશે. સાત દિવસ સુધી અવકાશમાં રહ્યા બાદ ‘ગગનયાન’ અરબી સમુદ્ર, બંગાળના અખાત કે જમીન ઉપર ઉતરશે એવી ધારણા છે.

ઉલ્લેખનીય છે કે, ભારતનું પ્રથમ માનવસહ અવકાશયાન સ્પેસમાં મોકલવાની સિદ્ધિ ભારત તેની આઝાદીની 75મી વર્ષગાંઠ પહેલા જ હાંસલ કરી લેશે. આ પ્રોજેક્ટ માટે પ્રથમ ભારતીય અવકાશયાત્રી રાકેશ શર્માની પણ મદદ લેવામાં આવી રહી છે. શર્મા પહેલા જ એવા અવકાશયાત્રી છે જે 1984ના એપ્રિલમાં સોયૂઝ T-11 યાન મારફત અવકાશમાં ગયા હતા.

ભારત જો આ માનવસહ અવકાશયાનને સ્પેસમાં મોકલવાના મિશનમાં સફળ થશે તો આ સિદ્ધિ હાંસલ કરનાર દુનિયાનો માત્ર ચોથો જ દેશ બનશે. અત્યાર સુધીમાં આ સિદ્ધિ અમેરિકા, રશિયા અને ચીન જ હાંસલ કરી શક્યા છે.