મિઝોરમ વિધાનસભા ચૂંટણી મતગણતરીઃ વિપક્ષ ZPM સરસાઈમાં

ઐઝવાલઃ ઈશાન ભારતના રાજ્ય મિઝોરમમાં 40-બેઠકોવાળી વિધાનસભાની ચૂંટણી માટે આજે પરિણામનો દિવસ છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. આ રાજ્યમાં ખ્રિસ્તીઓની બહુમતી છે. ખ્રિસ્તીઓ માટે 3 ડિસેમ્બરનો દિવસ સામુહિક પ્રાર્થનાનો, પવિત્ર દિવસ હોય છે એટલે સમાજના અનેક જૂથોએ ચૂંટણી પંચને વિનંતી કરી હતી કે ચૂંટણી પરિણામની જાહેરાત 3 ડિસેમ્બરને બદલે 4 ડિસેમ્બર પર મુલતવી રાખવામાં આવે. આ રાજ્યમાં મુખ્ય પ્રધાન જોરામથાંગાની આગેવાની હેઠળના મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ)નું શાસન છે. અન્ય પાર્ટીઓ છે – ઝોરમ પીપલ્સ મૂવમેન્ટ, કોંગ્રેસ અને ભાજપ. શાસક અને વિપક્ષ પાર્ટીઓમાં સ્થાનિક લોકોનું પ્રતિનિધિત્વ છે. 37 બેઠકો ખાતે મતગણતરીના ટ્રેન્ડ અનુસાર, ઝેડપીએમ પાર્ટી 21 બેઠક પર આગળ હતી. શાસક એમએનએફના 11 ઉમેદવારો સરસાઈમં હતા. કોંગ્રેસને ફાળે પાંચ સીટ આવી હતી. આઈઝોલ (પૂર્વ) બેઠક પર જોરામથાંગા એમના હરીફ ઉમેદવાર સામે મતગણતરીમાં પાછળ હતા.

આજે મતગણતરીના આરંભ પૂર્વે મુખ્ય પ્રધાન જોરામથાંગાએ ચર્ચમાં જઈને પ્રાર્થના કરી હતી. જ્યારે ઝેડપીએમ પાર્ટીના મુખ્ય પ્રધાન પદના દાવેદાર લાલદુહોમાએ એક અન્ય ચર્ચમાં જઈને પ્રાર્થના કરી હતી. જોરામથાંગાને વિશ્વાસ છે કે એમની પાર્ટી જીત મેળવીને સત્તા જાળવી રાખશે.