કશ્મીરમાં લશ્કરી હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત; આર્મી પાઈલટનું મૃત્યુ

શ્રીનગરઃ ઉત્તર કશ્મીરના ગુરેઝ સેક્ટરના એક અંતરિયાળ વિસ્તારમાં અને પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખાની નજીક ભારતીય સેનાનું  એક ‘ચિતા’ હેલિકોપ્ટર આજે દુર્ઘટનાગ્રસ્ત થતાં એના પાઈલટનું મૃત્યુ થયું છે જ્યારે સહ-પાઈલટ ગંભીર રીતે ઘાયલ થયા છે. નિયંત્રણ રેખા નજીક સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના એક બીમાર જવાનને લેવા માટે ત્યાં જઈ રહ્યા હતા ત્યારે એ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. હેલિકોપ્ટરે ટેક-ઓફ્ફ કર્યા બાદ તરત જ એ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

ફોરવર્ડ પોસ્ટ સાથે હેલિકોપ્ટર સાથેનો સંપર્ક તૂટી ગયા બાદ ભારતીય સેનાએ તરત જ પગપાળા શોધખોળ આદરી હતી. એ માટે સેવામાં રેસ્ક્યૂ હેલિકોપ્ટરોની પણ મદદ લેવામાં આવી હતી. ઉત્તર કશ્મીરના બાંદીપોરાના ગુજરાન નાળા વિસ્તારમાં બરફાચ્છાદિત સ્થળે તૂટી પડેલા હેલિકોપ્ટરનો કાટમાળ નજરે પડ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા પાઈલટ અને સહ-પાઈલટને તરત જ ઉધમપુરની કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ બેઝ હોસ્પિટલમાં 29 વર્ષીય પાઈલટ મેજર સંકલ્પ યાદવનું મૃત્યુ નિપજ્યું હતું. સહ-પાઈલટની હાલત ગંભીર છે, પરંતુ સ્થિર છે અને હાલ આઈસીયૂમાં છે. ફરજ બજાવતાં શહીદ થયેલા મેજર સંકલ્પ યાદવ રાજસ્થાનના જયપુરના રહેવાસી હતા. એ 2015માં આર્મીમાં જોડાયા હતા. એ આર્મી એવિએશન કોર્પ્સના સભ્ય હતા. એમના પરિવારમાં એમના પિતા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]