હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ માટે સૌપ્રથમ વાર મેટ્રો રેલનો ઉપયોગ

હૈદરાબાદઃ સૌપ્રથમ વાર કદાચ વ્યસ્ત ટ્રાફિકને લીધે હ્રદયના ટ્રાન્સપ્લાન્ટ માટે હૈદરાબાદની પેસેન્જર મેટ્રો ટ્રેનનો ઉપયોગ ધબકતું હ્દય (હાર્ટ) લઈ જવા માટે કરવામાં આવ્યો હતો. એક 45 વર્ષીય બ્રેઇન ડેડ વ્યક્તિના હાર્ટને નાગોલે મેટ્રો સ્ટેશનથી સાંજે ચાર કલાકની આસપાસ કાઢી ટ્રેનમાં જ્યુબિલી હિલ્સ સુધી 30 મિનિટથી પણ ઓછા સમયમાં પહોંચાડવામાં આવ્યું હતું. આ વિશેષ ટ્રેને 21 કિલોમીટરનો પ્રવાસ દરમ્યાન 16 સ્ટેશનો પસાર કર્યાં હતાં, એમ એલ એન્ડ ટી મેટ્રો રેલે (હૈદરાબાદ) લિ.એ જણાવ્યું હતું. આ હાર્ટ જ્યુબિલી હિલ્સ સ્ટેશન પર તૈયાર એમ્બ્યુલન્સમાં એપોલો હોસ્પિટલમાં લઈ જઈને 44 વર્ષીય વ્યક્તિમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું.

ડો. એજીકે ગોખલેની આગેવાનીમાં મેડિકલ એક્સપર્ટ ટીમની દેખરેખમાં આ હાર્ટ વિશેષ ટ્રેન દ્વારા લઈ જવામાં આવ્યું હતું. અમે હાર્ટની તકલીફ અનુભવતા 44 વર્ષીય દર્દીની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવાનું આયોજન કરી રહ્યા હતા. બંને હોસ્પિટલો શહેરમાં વિરુદ્ધ દિશામાં આવેલી છે. અમે મેટ્રો રેલ સત્તાવાળાઓનો ટ્રાન્સપોર્ટેશન માટે સંપર્ક કર્યો, કેમ કે હેલિકોપ્ટરનો અભાવ હતો. અમને મેટ્રો ટ્રેન આ માટે સારો વિકલ્પ નજરે ચઢ્યો હતો, એમ એપોલો હોસ્પિટલના ડો. ગોખલેએ કહ્યું હતું.

અમે હાર્ટ અને ફેફેસાં લઈ જવા માટે ગ્રીન ચેનલનો ઉપયોગ કર્યો, અમને ટ્રાફિકને લીધે મેટ્રો સારો વિકલ્પ લાગ્યો હતો, જેથી સમયની બચત થઈ શકે. દેશમાં સૌપ્રથમ વાર કદાચ ઓર્ગનને ટ્રાન્સપ્લાન્ટ માટે લઈ જવા માટે મેટ્રો રેલનો ઉપયોગ થયો હશે, એમ હૈદરાબાદ મેટ્રો રેલના એમડી એનવીએસ રેડ્ડીએ કહ્યું હતું.