જમ્મુ કશ્મીર: લોકસભાના ચૂંટણી જંગ વચ્ચે કલમ 370 ને રાજકીય પક્ષો દ્વારા સતત નિવેદનો ચાલી રહ્યાં છે. પૂર્વ મુખ્યપ્રધાન અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે. આ વખતે તેમણે બીજેપી અધ્યક્ષ અમિત શાહ પર નિશાન તાકતાં કહ્યું કે, અમિત શાહ સાહેબ! મહેબૂબા મુફ્તી તમને કહી રહી છે, જે દિવસે તમે આર્ટીકલ 370ને નાબૂદ કરશો, તે દિવસથી તમે જમ્મુ કશ્મીરમાં માત્ર એક પેશેવર બળ બનીને રહી જશો. જો તમે કલમ 370ને નાબૂદ કરી, તો જેવી રીતે પેલેસ્ટાઈન પર ઈઝરાયલનો કબજો છે, તેવી જ રીતે જમ્મુ કશ્મીર પર હિન્દૂસ્તાનનો કબજો હશે.
તમને જણાવી દઈએ કે, કલમ 35 એ પર નાણાં પ્રધાન અરૂણ જેટલીના નિવેદન અને કેન્દ્રીય કેબિનેટ તરફથી કલમ 370ની સમીક્ષાના પ્રસ્તાવને મંજૂરી આપ્યા બાદ આ મામલો ગરમાયો છે. પીડીપી અને નેશનલ કોન્ફ્રેસ સતત આ મામલે નિવેદનો દ્વારા કેન્દ્ર સરકાર પર હુમલો કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ કલમ 370ને લઈને વિવાદીત નિવેદન આપ્યું હતું. મહેબૂબા મુફ્તીએ કલમ 370ની જોગવાઈઓને ખતમ કરવાને લઈને કેન્દ્ર સરકાર નિશાન તાક્યું હતું. મહેબૂબા મુફ્તીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર કલમ 370ને ખત્મ કરી દેશે તો જમ્મુ કશ્મીર અને ભારત વચ્ચેનો સંબંધ પણ ખત્મ થઈ જશે.