ચૂંટણી બાદ રફાલ સોદામાં તપાસ કરાવીશું, ચોકીદાર જેલમાં જશેઃ રાહુલ ગાંધી

નાગપુર – કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે જો અમારી પાર્ટી લોકસભા ચૂંટણી જીતીને સત્તા પર આવશે તો રફાલ જેટ વિમાન સોદામાં તપાસ કરાવશે. એ વખતના સંરક્ષણ પ્રધાન સ્વ. મનોહર પરિકરને ખબર હતી કે રફાલ સોદામાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.

નાગપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતાં રાહુલે એવો આક્ષેપ કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફાઈટર જેટ વિમાન ખરીદીનો સોદો બદલ્યો હતો અને એને કારણે કિંમતમાં વધારો થઈ ગયો હતો.

રાહુલે જનતાને ઉદ્દેશીને કહ્યું હતું, ચૂંટણી બાદ રફાલ સોદામાં તપાસ શરૂ કરાશે અને બીજી વાત એ કે બીજા ચોકીદારો જેલમાં જશે.

દેશના દરેક નાગરિકને ચોકીદાર બનવાની વડા પ્રધાન મોદીએ આપેલી સલાહનો રાહુલે ઉલ્લેખ કર્યો હતો.

રાહુલે કહ્યું કે, સંરક્ષણ મંત્રાલયના દસ્તાવેજમાં જ જણાવાયું છે કે નરેન્દ્ર મોદીએ એમાં (મૂળ કોન્ટ્રાક્ટમાં) ફેરફાર કર્યો હતો અને દરેક જેટ રૂ. 1,600 કરોડની કિંમતે ખરીદ્યા હતા.

રાહુલે કહ્યું કે, ચોકીદારે જ ચોરી કરી છે. એ વખતના સંરક્ષણ પ્રધાન (સ્વ. પરિકર)ને જ્યારે પત્રકારોએ પૂછ્યું હતું ત્યારે એમણે કહ્યું હતું કે નવા સોદા વિશે મને કોઈ જાણકારી નથી, તમે સીધું નરેન્દ્ર મોદીને જ પૂછો, મને એ વિશે કંઈ ખબર નથી. આનું કારણ એ કે પરિકરને સોદામાં થયેલા ભ્રષ્ટાચારની જાણકારી હતી.

ઉદ્યોગપતિ અનિલ અંબાણીની ઝાટકણી કાઢતાં રાહુલ ગાંધીએ કહ્યું કે અંબાણી પાસે કોઈ પૈસા નહોતા, સંરક્ષણ સાધનોનાં ઉત્પાદન અંગે એમની પાસે કોઈ જ્ઞાન નહોતું અને એમનો બધો ધંધો નિષ્ફળ ગયો હતો. શા માટે અનિલ અંબાણીને રફાલ ખરીદીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને શા માટે વિદર્ભની વ્યક્તિને આપવામાં આવ્યો નહોતો? એવો સવાલ પણ રાહુલે કર્યો છે.

નાગપુરમાં 11 એપ્રિલે મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં ચાર તબક્કામાં મતદાન થવાનું છે. નાગપુરમાં ભાજપે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને ઉતાર્યા છે અને એની સામે કોંગ્રેસના ઉમેદવાર છે નાના પટોળે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]