નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસે છત્તિસગઢ અને રાજસ્થાનમાં વિજય પ્રાપ્ત કર્યો છે. પરંતુ મધ્યપ્રદેશમાં કોંગ્રેસને બહુમતી મેળવવા માટે જરુરી 116 બેઠકોની જગ્યાએ 114 બેઠકો જ મળી છે.
ત્યારે બહુજન સમાજ પાર્ટીનાં અધ્યક્ષ માયાવતીએ કોંગ્રેસને જીવતદાન આપતા કોંગ્રેસને ટેકો જાહરે કર્યો છે અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસ માટે સત્તાનો માર્ગ ખુલ્લો થયો છે. માયાવતીએ કહ્યું કે, બહુજન સમાજ પાર્ટીએ મધ્યપ્રદેશમાં સારુ પ્રદર્શન કર્યુ છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે તમામ પક્ષોએ ભેગા થવાની જરૂર છે. લોકોએ ભાજપને હરાવવા માટે કોંગ્રેસને મત આપ્યા છે. અમે ભાજપને સત્તા પરથી દૂર કરવા માટે લડ્યા છીએ કોંગ્રેસને ટેકો આપીએ છીએ. અમે કોઇ પણ ભોગે ભાજપને હરાવવા માંગીએ છીએ. અને એટલા માટે જ, અમારે કોંગ્રેસ સાથે ઘણા મતભેદો હોવા છતાં પણ અને કોંગ્રેસને ટેકો આપીએ છીએ. અમે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસને ટેકો આપીએ છીએ”
પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો જે આવ્યા છે તે લોકસભા ચૂંટણી પહેલા મોટા સમાચાર છે. કોંગ્રેસે કમબેક કરીને આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને કાંટાની ટક્કર આપવા માટે તૈયારીઓ અને પોતાની સક્ષમતા દર્શાવી છે. ત્યારે આ તરફ સમાજવાદી પાર્ટીએ પણ કોંગ્રેસને ટેકો આપવાની જાહેરાત કરી છે. હિન્દીભાષી રાજ્યોમાં ભાજપના વળતા પાણી થતા અને કોંગ્રેસનું રાજ આવતા ફરી રાજકીય સમીકરણો બદલાયા છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા કોંગ્રેસનાં નેતા પી. ચિદમ્બરમે જણાવ્યું કે, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રસે સરકાર બનાવશે અને ભારતીય જનતા પાર્ટીને ચેતવણી આપતા કહ્યું કે, આ ત્રણેય રાજ્યોમાં ધારાસભ્યોને તોડીને ભાંગફોટ પ્રવૃતિ ન કરે. આ રાજ્યોના ગવર્નર જનાદેશને સ્વીકારે. જનાદેશ ચોરી જવાનો પ્રયાસ ન કરે.
મધ્ય પ્રદેશ છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગણા અને મિઝોરમમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં માત્ર તેલંગણા જ એકમાત્ર રાજ્ય છે જ્યા જૂની સરકારે સત્તા પાછી મેળવી છે. છત્તીસગઢમાં કોંગ્રેસે પોતાના 15 વર્ષના વનવાસને ખતમ કરીને બે તૃત્યાંશ બહુમતી પ્રાપ્ત કરી લીધી છે.