મથુરાઃ ન્યાયક્ષેત્રે આજે બનેલી એક મોટી ઘટનામાં, મથુરાની એક અદાલતે શાહી ઈદગાહ મસ્જિદને હટાવવાની માગણી કરતી એક પીટિશનનો સ્વીકાર કર્યો છે. કૃષ્ણ જન્મભૂમિ નજીક આવેલી શાહી ઈદગાહ મસ્જિદને સીલ કરવાની માગણી કરતી અરજીનો પણ કોર્ટે સ્વીકાર કર્યો છે.
શાહી ઈદગાહ મસ્જિદ વિરુદ્ધનો કેસ કોર્ટે માન્ય રાખતાં હવે સુનાવણી હાથ ધરવા માટેનો માર્ગ મોકળો થયો છે. અરજદારોએ માગણી કરી છે કે કૃષ્ણ જન્મભૂમિ પરિસરમાંથી શાહી ઈદગાહ મસ્જિદને દૂર કરવામાં આવે. અરજદારોએ શ્રી કૃષ્ણ જન્મભૂમિની 13.37 એકર જમીનનો માલિકીહક માગ્યો છે. એમણે કહ્યું છે કે સમગ્ર જમીન ડી-ફેક્ટો (વાસ્તવિક) માલિક ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાનને સુપરત કરવામાં આવે. ટ્રસ્ટની જમીન પર બાંધવામાં આવેલી શાહી ઈદગાહ મસ્જિદને ગેરકાયદેસર ઘોષિત કરી એને તોડી પાડવાનો કોર્ટ આદેશ આપે એવી પણ અરજદારોએ માગણી કરી છે. અરજદારોએ એમ પણ કહ્યું છે કે વિવાદાસ્પદ સ્થળે કોર્ટના નિરીક્ષણ હેઠળ ખોદકામ કરાવવામાં આવે અને તેનો તપાસ અહેવાલ કોર્ટને સુપરત કરવામાં આવે.