યમુનોત્રી હાઇવે પર ભૂસ્ખલનથી 5000થી વધુ યાત્રીઓ ફસાયા

ઉત્તર કાશીઃ યમુનોત્રી ધામથી 25 કિમી પહેલાં રાનાચટ્ટીની પાસે યમુનોત્રી હાઇવેનો 15 મીટર હિસ્સો ધસી ગયો હતો.  આ ભૂસ્ખલનથી રાનાચટ્ટીથી માંડીને જાનકી ચટ્ટીની વચ્ચે 5000થી વધુ યાત્રીઓ ફસાઈ ગયા છે. જોકે સૌથી વધુ યાત્રી જાનકી ચટ્ટીમાં છે. વળી જાનકી ચટ્ટીમાં સુવિધાને નામે મીંડું છે. અહીં મોટા ભાગના યાત્રીઓએ ઠંડીની વચ્ચે બસોમાં જેમતેમ કરીને રાત પસાર કરી હતી.

આ યાત્રીઓએ જાનકી ચટ્ટીમાં મોંઘવારીનો માર સહન કરવો પડ્યો છે. અહીં ખાણીપીણીની ચીજવસ્તુઓના મોંમાગી કિંમતો વસૂલવામાં આવે છે.  સ્થાનિક નાગરિકોનો આરોપ છે કે યાત્રીઓની મદદ માટે વહીવટી તંત્રએ કોઈ સહયોગ નથી કર્યો. જોકે જાનકી ચટ્ટીમાં કેટલીક હોટેલો ફસાયેલા યાત્રીઓની મદદ કરી હતી.

અહીં રસ્તો અવરોધ હોવાને કારણે યમુનોત્રી ધામનાં દર્શન પછી બડકોટ તરફ જઈ રહેલા 1200થી વધુ યાત્રી રાનાચટ્ટી અને જાનકી ચટ્ટીની વચ્ચે ફસાયેલા છે. બડકોટના સ્ટેશન નિરીક્ષક ગજેન્દ્ર બહુગુણાએ જણાવ્યું હતું કે અહીં યાત્રીઓની 24 મોટી બસો અને 17 મિની બસો ફસાયેલી છે.

યમુનોત્રી હાઇવે પર રાનાચટ્ટીની પાસે 16 કલાક પછી નાનાં વાહનો માટે રસ્તો ખોલવામાં આવ્યો છે. મોટાં વાહનો માટે હાઇવે સાંજ સુધી ખૂલવાની વકી છે. હાઇવે ખોલવાનું કામ બુધવારે રાતથી જારી હતું. વહીવટી તંત્રે રાત્રે માર્ગ પર બધાં વાહનોની આવ-જા સંપૂર્ણ રીતે બંધ રાખી હતી.