કોલકાતાઃ બંગાળની ખાડીમાં ઉદભવેલા ચક્રવાતી વાવાઝોડા અમ્ફાને ગઈ કાલે બંગાળમાં ભારે વિનાશ વેર્યો છે. આ વાવાઝોડાને લીધે રાજ્યમાં ઓછામાં ઓછા 12 જણના મોત થયાં છે અને અસંખ્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ વાવાઝોડા દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાક 190 કિલોમીટરની હતી. હજ્જારો ઝાડ ઊખડી ગયાં છે. તેજ હવા અને ભારે વરસાદને કારણે ભારે નુકસાન થયું હતું. કાચાં મકાનોની સાથે-સાથે કોલકાતા સહિત કેટલાય વિસ્તારોમાં જૂનાં મકાનો પણ ધરાશાયી થયાં છે.અહવાલો મુજબ ઉત્તરી પરગણા જિલ્લામાં આશરે 5200 મકાનોને નુકસાન થયું છે.
6.58 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
રાજ્યમાં અમ્ફાન વાવાઝોડું ત્રાટક્યું એ પહેલાં પશ્ચિમ બંગાળ અને ઓડિશાના તટીય વિસ્તારોમાંથી 6.58 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. બંગલાદેશમાં પણ 24 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.
રૂ. એક લાખ કરોડના નુકસાનની આશંકા
પ્રાપ્ત અહેવાલ અનુસાર વીજળીના થાંભલા, લેમ્પ પોસ્ટ, ટેલિફોન ટાવર, સિગ્નલ ધરાશાયી થવાની સાથે સાથે નદીઓના પાળા પણ તૂટી ગયા છે. એમ્ફાન વિશે મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કહ્યું હતું કે આ મહાવિનાશકારી વાવાઝોડાએ દક્ષિણ બંગાળમાં ભારે વિનાશ વેર્યો છે. તેમણે આ વાવાઝોડાથી રૂ. એક લાખ કરોડના નુકસાનની આશંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું છે કે એમ્ફાને કોરોના વાઇરસ કરતાં પણ વધુ નુકસાન કર્યું છે. કોલકાતામાં પણ હવાની ઝડપ 120થી 133 પ્રતિ કલાક રહી હતી. કોલકાતામાં ત્રણ કલાકમાં 180 મિલીમીટર વરસાદ પડ્યો હતો. કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.
સચિવાલયને પણ નુકસાન
મુખ્ય પ્રધાન બેનરજી સચિવાલયમાં એમ્ફાન વાવાઝોડાને લઈને બનેલા કન્ટ્રોલ રૂમમાં હાજર હતાં. આ વાવાઝોડાથી સચિવાલયનાં કેટલાંય બારી-બારણાંના કાચ તૂટી ગયા છે. અહેવાલ અનુસાર કોલકાતા, હાવડા, હુગલી, ઉત્તર અને દક્ષિણ 24 પરગણા જિલ્લામાં 12 લોકોનાં મોત થયાં છે. મોટા ભાગનાં મોત ઝાડ તૂટવાને કારણે અથવા ઝાડની ઝપટમાં આવવાને કારણે થયાં છે.
NDRF અને SDRFની 41 ટીમો તહેનાત
અધિકારીઓએ જણાવ્યું હતું કે NDRF અને SDRFની 41 ટીમો પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં તહેનાત કરવામાં આવી હતી. ભુવનેશ્વરમાંથી ફાયરબ્રિગ્રેડની 250 તથા ઓડિશા ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની 100 યુનિટ તહેનાત કરવામાં આવી હતી.
બંગલાદેશમાં પણ આશરે છ લોકોનાં મોત
બંગલાદેશી મિડિયાના અહેવાલો અનુસાર બંગલાદેશમાં અત્યાર સુધી 25 લાખ લોકોને કેમ્પમાં મોકલવામાં આવ્યા છે અને તટીય વિસ્તારોમાં સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. બંગલાદેશના ખુલના,સતખીરા સહિત અનેક વિસ્તારોમાંથી લાખ્ખોની સંખ્યામાં લોકોને તટીય વિસ્તારોમાંથી ખખસેડવામાં આવ્યા છે. અમ્ફાનને કારણે આશરે છ લોકોનાં મોત થયાં છે. પાછલા છ કલાકમાં અમ્ફાનની સ્પીડ઼ ઘટીને પ્રતિ કલાક 30 કિલોમીટરની થઈ ગઈ છે.
21 વર્ષ પછી કોઈ સુપર સાઇક્લોન
દેશમાં 21 વર્ષ પછી કોઈ સુપર સાઇક્લોન આવ્યું હતું. વર્ષ 1999માં એક ચક્રવાત ઓડિશાના તટ પર ટકરાયું હતું. ત્યારે પણ જાનમાલનું ભારે નુકસાન થયું હતું.