નવી દિલ્હી – ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે એવો દાવો કર્યો છે કે કોંગ્રેસની આગેવાની હેઠળની યુનાઈટેડ પ્રોગ્રેસિવ અલાયન્સના શાસન વખતે પણ દેશની સેનાને સંપૂર્ણ છૂટ આપવામાં આવી હતી તથા અનેક વાર સર્જિકલ હુમલા કરવામાં આવ્યા હતા.
હિન્દુસ્તાન ટાઈમ્સ અખબારને આપેલી મુલાકાતમાં મનમોહન સિંહે કહ્યું કે યૂપીએ સરકારના શાસન વખતે બાહ્ય જોખમોનો સામનો કરવા માટે સેનાને પૂરી છૂટ આપવામાં આવી હતી.
પુલવામા ટેરર હુમલાઓ મામલે મોદી સરકારને ટાર્ગેટ બનાવતાં મનમોહન સિંહે કહ્યું કે પુલવામામાં સૌથી સુરક્ષિત ગણાતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આતંકવાદી હુમલો થયો અને સીઆરપીએફના 40 જવાન શહીદ થઈ ગયા. ગુપ્તચર તથા રાષ્ટ્રીય સુરક્ષાના મામલે આ ગંભીર નિષ્ફળતા ગણાય. સીઆરપીએફ અને બીએસએફ જ્યારે એમના સૈનિકોને એરલિફ્ટ કરવાની વિનંતી કરતા હતા તે છતાં કેન્દ્ર સરકારે એનો ઈનકાર કરી દીધો હતો. એ જ રીતે સરકારે પુલવામામાં આઈઈડી હુમલો કરવામાં આવી શકે છે એવી જમ્મુ-કશ્મીર પોલીસ તરફથી આપવામાં આવેલી નક્કર ગુપ્તચર માહિતીની પણ અવગણના કરી હતી. તદુપરાંત, એક આતંકવાદી સંગઠનની વિડિયો ચેતવણી સામે પણ આંખ આડા કાન કર્યા હતા.
મુંબઈમાં 2008માં કરાયેલા હુમલાઓ વિશેના એક સવાલના જવાબમાં ડો. સિંહે કહ્યું કે મુંબઈ હુમલાના 14 દિવસોમાં જ હાફિઝ સઈદને ગ્લોબલ ટેરરિસ્ટ ઘોષિત કરવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે મુંબઈ હુમલાઓમાં સામેલ થયેલા લશ્કર-એ-તૈબાના ટોચના સભ્યોને પણ આતંકવાદી ઘોષિત કર્યા હતા. ત્યારથી લશ્કર-એ-તૈબાનું જોર ખતમ થઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં સક્રિય જૈશ-એ-મોહમ્મદ ત્રાસવાદી સંગઠનના સ્થાપક મસૂદ અઝહરને ગઈ કાલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી ઘોષિત કર્યો છે. અઝહરનું આતંકવાદી સંગઠન 2000માં સ્થપાયું હતું. એણે જમ્મુ-કશ્મીરના પુલવામામાં કરાયેલા આતંકવાદી હુમલા સહિત અનેક આતંકવાદી હુમલાઓની જવાબદારી લીધી છે. ગઈ 14 ફેબ્રુઆરીએ સીઆરપીએફના કાફલા પર કરાયેલા હુમલાની જવાબદારી પણ જૈશ સંગઠને લીધી હતી. એ હુમલામાં 40 જવાન શહીદ થયા હતા.