પણજી – ગોવા વિધાનસભામાં પોતાની સાથેની શુભેચ્છા મુલાકાતને ફાલતુ રાજકીય લાભ માટે ઉપયોગ કરવા બદલ ગોવાના મુખ્ય પ્રધાન અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન મનોહર પરિકરે કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીની આજે ઝાટકણી કાઢી છે.
રાહુલ ગાંધી હાલ ગોવાની અંગત મુલાકાતે ગયા છે. મંગળવારે એમણે વિધાનભવનમાં સરપ્રાઈઝ મુલાકાત આપી હતી અને પરિકરને એમની સત્તાવાર ચેંબરમાં મળવા ગયા હતા.
પરિકર હાલ કેન્સરની સારવાર હેઠળ છે. રાહુલે પરિકરને મળીને એમની તબિયતની પૂછપરછ કરી હતી.
પરંતુ એ બેઠકના અમુક કલાકો બાદ રાહુલે કહ્યું હતું કે પરિકરે એમને એમ કહ્યું હતું કે એમને નવા (રફાલ) સોદા સાથે કોઈ લેવાદેવા નથી અને એ સોદો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અનિલ અંબાણીને લાભ કરાવવા માટે ઘડ્યો હતો.
પરિકરે એક પત્ર લખીને રાહુલ ગાંધીની ઝાટકણી કાઢી છે. એમાં તેમણે જણાવ્યું છે કે રાહુલ ગાંધી સાથે પોતાની પાંચ-મિનિટની મુલાકાત દરમિયાન રફાલ સોદાનો કોઈ ઉલ્લેખ જ કરાયો નહોતો.
રાહુલની ઝાટકણી કાઢતા પરિકરે રાહુલને ઉદ્દેશીને લખ્યું છે કે, ‘મારા કાર્યાલયે તમારી મુલાકાતને આવરી લેતા અખબારી અહેવાલો વાંચીને મને માનસિક ત્રાસ થયો છે. પ્રચારમાધ્યમોમાં આજે એવો અહેવાલ છે કે તમે મને ટાંકીને એમ કહ્યું હતું કે હું રફાલ સોદો કરાવવાની પ્રક્રિયામાં ક્યાંય સામેલ નહોતો અને મને એ સોદા વિશે કોઈ જાણકારી નહોતી. મને શરમ જેવી લાગણી થઈ છે કે તમારા રાજકીય લાભ ક્ષુદ્ર છે. મારી સાથે તમે જે પાંચ મિનિટ વિતાવી હતી એમાં ન તો તમે રફાલ વિશે કંઈ બોલ્યા હતા કે ન તો આપણે એ વિશે કોઈ પણ પ્રકારની ચર્ચા કરી હતી. તમારી અને મારી બેઠકમાં રફાલનો કોઈ પ્રકારનો ઉલ્લેખ થયો જ નહોતો.’
બીમાર પરિકરે વધુમાં ભારપૂર્વક કહ્યું કે, ‘ઈન્ટર ગવર્મેન્ટ એગ્રીમેન્ટ અને રફાલ સોદો સંરક્ષણ મંત્રાલયની પ્રક્રિયા અનુસાર જ કરવામાં આવ્યો હતો. હું આ અગાઉ પણ કહી ગયો છું અને આજે પણ ફરી કહું છું. યુદ્ધવિમાનોની ખરીદી રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ નિશ્ચિત કરાયેલી પ્રક્રિયા અનુસાર જ કરવામાં આવી હતી.’
રાહુલની ટીકા કરતાં પરિકરે વધુમાં લખ્યું કે, ‘કોઈ શુભેચ્છા મુલાકાત લેવી અને પછી મામુલી રાજકીય લાભને ખાતર ખોટું નિવેદન કરીને આટલી હીણ કક્ષાએ ઉતરી જવું… તમારી એ મુલાકાતની પ્રામાણિકતા વિશે હવે મારા મનમાં સવાલ પેદા થયો છે. અહીંયા હું જીવલેણ બીમારી સામે લડી રહ્યો છું. મારી તાલીમ તથા મારા આદર્શવાદમાંથી મળેલી શક્તિના જોરે હું ગોવા રાજ્ય તથા એની જનતાની વિપરીત સંજોગોમાં સેવા બજાવી રહ્યો છું. મને તો એમ હતું કે તમારી મુલાકાતથી મને અમારી જનતાની સેવા બજાવવા માટે શુભેચ્છા પૂરી પાડશે. પણ તમારા ઈરાદા કોઈક બીજા હશે એની મને ખબર નહોતી. ખૂબ નિરાશા સાથે હું તમને આ લખી રહ્યો છું અને આશા રાખું છું કે તમે સત્ય જણાવશો. મહેરબાની કરીને કોઈ બીમાર વ્યક્તિની મુલાકાત લઈને એનો ઉપયોગ રાજકીય તક મેળવવા માટે ન કરશો.’
63 વર્ષના પરિકરની તબિયત 2018ના સપ્ટેંબરથી ખરાબ છે. એમને પેન્ક્રિયાસને લગતી કોઈક બીમારી છે. વારંવાર હોસ્પિટલમાં સારવાર માટે જવું પડતાં એ તેમના કાર્યાલયમાં નિયમિત હાજરી આપી શકતા નથી.
નાકમાં નળી નાખવામાં આવી હોવા છતાં અને નાદુરસ્ત તબિયત હોવા છતાં પરિકરે વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું.