નવી દિલ્હી – દિલ્હીના લેફ્ટેનન્ટ ગવર્નર અનિલ બૈજલના સત્તાવાર નિવાસસ્થાન ભૂખહડતાળ પર ઉતરેલા આમ આદમી પાર્ટીની સરકારના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયાની તબિયત લથડતાં એમને અત્રેની LNJPN હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સિસોદીયાનું કીટોન લેવલ 7.4 સુધી વધી ગયું છે.
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની સાથે એમના ત્રણ પ્રધાન પણ રાજનિવાસ ખાતે ભૂખહડતાળ પર ઉતર્યા છે. આ ત્રણ પ્રધાન છે – મનીષ સિસોદીયા, સત્યેન્દ્ર જૈન અને ગોપાલ રાય. સિસોદીયાની પહેલાં, રવિવારે રાતે સત્યેન્દ્ર જૈનની તબિયત બગડતાં એમને પણ LNJPN હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
દિલ્હી સરકાર વિરુદ્ધ શરૂ કરવામાં આવેલા કથિત અઘોષિત બહિષ્કાર આંદોલન બદલ આઈએએસ અધિકારીઓને એમનું આંદોલન પડતું મૂકવાનો લેફ્ટેનન્ટ ગવર્નર બૈજલ આદેશ આપે અને ગરીબ લોકોને ઘેરબેઠાં રાશન સપ્લાય કરવાના દિલ્હી સરકારના પ્રસ્તાવને મંજૂરી આપે, આ બે બાબત ઉપર AAP સરકાર અને બૈજલ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. બૈજલના વલણના વિરોધમાં કેજરીવાલ અને એમના સાથી પ્રધાનો ભૂખહડતાળ આંદોલન પર ઉતર્યા છે.