ઈમ્ફાલઃ અત્યારે નવ વર્ષની વેલેન્ટિના નામની એક બાળકી સમાચારોમાં ચર્ચામાં છે. આ બાળકીનો વિડીયો વાઇરલ થયો હતો. મૂળ મણિપૂરની આ બાળકીનો વિડિયો જોઈએ આપણને સહુને થાય કે જો પ્રકૃતિ પ્રત્યે બધા લોકો આટલા સજગ ને સંવેદનશીલ થઈ જાય તો પછી ક્યારેય પ્રકૃતિરક્ષાની જરૂર જ ન પડે.
વેલેન્ટિના પ્રકૃતિપ્રેમી છે. પહેલા ધોરણમાં ભણતી હતી ત્યારે તેણે બે છોડ વાવ્યાં હતાં. એ આશા સાથે કે હું જેમ જેમ મોટી થઈશ તેમ તેમ મારી સાથે આ ઝાડ પણ મોટું થશે. હું રોજ આ ઝાડને પાણી પીવડાવી રહી છું. બે ત્રણ વર્ષમાં છોડમાંથી ઝાડ બનવા લાગ્યું હતું.
એક દિવસ રસ્તો લાંબો કરવા માટે આ ઝાડને કાપી નાખવામાં આવ્યા હતા. જયારે વેલેન્ટિના સ્કૂલથી પરત આવી ત્યારે આ ઝાડને જોઈને તેણે રડવાનું શરૂ કરી દીધું. બાળકીને રડતી જોઈને ઘણા લોકો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા લાગ્યા હતા. એ વિડિયો એટલો વાયરલ થયો કે મુખ્યપ્રધાન બિરેનસિંહ સુધી પહોંચ્યો હતો.
હવે, તાજેતરમાં નવ વર્ષની બાળકીનો પ્રકૃતિપ્રેમ જોઈને મણિપુરના મુખ્યમંત્રી બીરેન સિંહે બાળકીને “ગ્રીન મણિપુર મિશન”ની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દીધી છે.
વેલેન્ટિનાએ પ્રતિભાવમાં કહ્યું હતું કે ચાર વર્ષ પહેલા મેં છોડ વાવ્યા હતા. તે ઝાડને પોતાના નાના ભાઈ જેવા માનતી હતી અને તેમની પ્રેમથી દેખભાળ અને સારસંભાળ કરી રહી હતી. વાયરલ વિડિયો વિશે એણે કહ્યું હતું કે હું જયારે સ્કૂલથી પરત ફરી ત્યારે મેં ઝાડને કાપેલા જોયા હતા અને આ દ્રશ્ય જોઈને હું ખૂબ દુઃખી થઈ ગઈ હતી એટલે રડવા લાગી હતી
હવે વેલેન્ટિના મોટી થઈને વન અધિકારી બનવા માટે માંગે છે. તે વન અધિકારી બનીને મોટા પહાડોને વધારે લીલાછમ બનાવા માટે માંગે છે. પોતાની ગ્રીન એમ્બેસેડર બનાવાતાં તેના માતા પિતા પણ ખૂબ જ ખુશ છે.