નવી દિલ્હી: મહારાષ્ટ્ર રાજકીય ધમાસાણ મુદ્દે આજે લોકસભામાં કોંગ્રેસ દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો. પાર્ટીના બે સભ્યો હિબી ઈડેન અને ટી.એ.પ્રતાપન અને માર્શલો વચ્ચે ઘક્કા મુક્કી બાદ સદનની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. સદનની કાર્યવાહી શરુ થવાની સાથે જ કોંગ્રેસના સભ્યો ‘સંવિધાન કી હત્યા બંધ કરો’ના નારા પણ લગાવાયા હતા. નારેબાજીની વચ્ચે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશ્નકાળ શરુ કરાવ્યો અને અનુસૂચિત જાતિના છોકરા છોકરીઓના છાત્રાવાસ વિષય પર પૂરક પ્રશ્ન પુછવા માટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને કહ્યું.
આ વખતેના શિયાળુ સત્રમાં પ્રથમ વખત સદમાં પહોંચેલા રાહુલ ગાંધીએ સવાલ પુછવાનો ઈનકાર કરતા કહ્યું કે, મહારાષ્ટ્રમાં લોકતંત્રની હત્યા થઈ ગઈ છે તો હવે મારે સવાલ પુછવાનો કોઈ અર્થ નથી. આ દરમ્યાન સ્પીકર ઓમ બિરલાએ હાથમાં પોસ્ટર લઈને વિરોધ કરી રહેલા ઈડેન અને પ્રતાપનને આવુ નહીં કરવા ચેતવણી આપી. ત્યારબાદ માર્શલોને બંન્ને કોંગી સભ્યોને સદનની બહાર કરવા આદેશ આપ્યો. આ દરમ્યાન કોંગ્રેસના સભ્યો અને માર્શલો વચ્ચે ધક્કા મુક્કી થઈ.
તો બીજી તરફ મહારાષ્ટ્ર મુદ્દા પર વિપક્ષી સભ્યોના હંગામાને કારણે રાજ્યસભાની કાર્યવાહી શરુ થવાને 10 મિનિટમાં જ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી.