જેમણે પચીસ વર્ષની મિત્રતા ન સાચવી એ અજીત પવારને શું સાચવશે?: શિવસેના

મુંબઈઃ શિવસેનાએ સોમવારે ભાજપ પર આકરા પ્રહારો કરતાં પોતાના મુખપત્રમાં કહ્યું કે ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી પાર્ટી સાથેની 25 વર્ષ જૂની મિત્રતાને ન માનનારા લોકો એનસીપી નેતા અજિત પવારને પણ એક દિવસ છોડી દેશે. શિવસેનાના મુખપત્ર ‘સામના’ના  સંપાદકીયમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. વધુમાં જણાવાયું છે કે બળવાખોર નેતાઓ નિષ્ફળ ગયાં છે અને આવનારા થોડા દિવસોમાં તે સાબિત થશે. એવો વ્યંગ્ય પણ કરવામાં આવ્યો છે કે દેવેન્દ્ર ફડણવીસે ચોરની જેમ મુખ્યમંત્રી પદના શપથ લીધાં હતાં.

પાર્ટીએ કહ્યું કે, ‘અજિત પવાર પાર્ટીના કાર્યાલયમાંથી ચોરી કરીને લાવેલ હસ્તાક્ષરવાળો પત્ર રાજ્યપાલને બતાવે છે, આ કાગળો પર વિશ્વાસ મૂકીને ફડણવીસ અને અજિત પવારને શપથ લીધાં હતાં. આ હેરાફેરીની પરાકાષ્ઠા છે. આપણે નિર્લજ્જતા જેવા શબ્દનો ઉપયોગ કરીને આ સંસ્થાનું અપમાન ન કરવું જોઈએ. તેમાં કહેવામાં આવ્યું છે કે ‘અજિત પવારને જેલમાં ચક્કી પીસવા માટે મોકલશે’ એમ કહેનાર ભક્તો ‘ફડણવીસ, અજિત પવાર આગળ વધો’ એવા નારા લગાવી રહ્યાં છે.

મહારાષ્ટ્રમાં બનેલા ઝડપી ઘટનાક્રમમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શનિવારે સવારે આઠ વાગ્યે રાજભવન ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ફડણવીસ અને પવારને પદના શપથ લેવડાવ્યાં હતાં. ભાજપ અને શિવસેનાએ વિધાનસભાની ચૂંટણી એક સાથે લડી હતી, પરંતુ મુખ્યમંત્રી પદ વહેંચવાના મુદ્દે બંને પક્ષો વચ્ચે અઢી દાયકા જૂનો સંબંધ તૂટી ગયો હતો.

તંત્રીલેખમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ભાજપે એનસીપી નેતાને લાલચ આપી અને પછી તેઓએ સાથે મળીને આખા રાજ્યની છેતરપિંડી કરી. શિવસેના સાથે 25 વર્ષ જુની મિત્રતાનો આદર ન કરનારા એક દિવસ અજિત પવારને રસ્તો બતાવશે. જે લોકો સત્તાને સર્વોપરી માને છે તેમના માટે સફરનો આ અંતિમ પડાવ છે. રાજ્યના લોકોએ આ જોવા માટે થોડો સમય રાહ જોવી પડશે.

મહારાષ્ટ્રમાં હાલમાં જે રાજકીય અસ્થિરતા પ્રવર્તે છે તે ભારતીય જનતા પાર્ટી, તેમની વ્યવસાયી વૃત્તિ અને ફસામણી કળાને કારણે છે. પહેલાં તેઓએ શિવસેના જેવા મિત્રને ગુમાવ્યો અને હવે તેઓ રાતના અંધારામાં કોઈ પાપી ચોરની જેમ ગુનાઓ કરી રહ્યાં છે. શિવસેનાએ કહ્યું કે હવે ભાજપને બહુમતી મળવાનો મતલબ પાડામાંથી દૂધ દોહવા બરાબર છે.