નવી દિલ્હીઃ રસ્તા પર ભીખ માગનારી મહિલાની ધરપકડ કર્યા પછી પોલીસે અચંબિત થઈ ગઈ હતી. મહિલાની પાસે ભારે માત્રામાં રોકડ જપ્ત થઈ હતી. આટલું જ નહીં, તેની પાસે એક લક્ઝરી કાર મળી છે. આ મામલો સંયુક્ત આરબ અમિરાતના અબુ ધાબીનો છે. હાલમાં અબુ ધાબી પોલીસે એક મહિલાની ધરપકડ કરી હતી. તેની પાસે એક લક્ઝરી કાર અને મોટા પાયે કેશ જપ્ત થઈ હતી. પકડવામાં આવેલી મહિલા રોજેરોજ અલગ-અલગ જગ્યાએ ભીખ માગતી હતી, પછી તે લક્ઝરી કારથી ઘરે પરત ફરતી હતી.
અનેક વર્ષોથી એ સિલસિલો ચાલી રહ્યો હતો, પણ એક દિવસ એક શખસને તેના પર શંકા ગઈ હતી. તેણે મહિલાને ભીખ આપી હતી. તે તેની દેખરેખ કરવા લાગ્યો. ત્યાર બાદ મહિલાઓનો ભાંડો ફૂટ્યો હતો અને આ મામલો પોલીસ પાસે પહોંચ્યો હતો. પોલીસને તપાસમાં તેના ઘરેથી કરોડો રૂપિયા મળ્યા હતા.
મહિલા ભીખ માગવા દૂર જતી, ત્યારે તે કાર લઈને જતી હતી. બાકીના સમયે તે કારને પાર્કિંગમાં ઊભી રાખતી હતી. હાલના મહિનાઓમાં અબુ ધાબી પોલીસે 159 ભિખારીઓની ધરપકડ કરી હતી, એમાં એક મહિલા પાસે કરોડો રૂપિયા જપ્ત થયા હતા. સંયુક્ત આરબ અમિરાતમાં ભીખ માગવી એક ગુનો છે. આ મામલામાં દોષી પામેલી વ્યક્તિને ત્રણ મહિનાની કેસ સાથે રૂ. એક લાખનો દંડ ચૂકવવો પડે એવી શક્યતા છે. જ્યારે સંગઠિત ભીખ માગવા પર છ મહિનાની કેદ અને રૂ. 22 લાખના દંડની જોગવાઈ છે.