નવી દિલ્હીઃ તૃણમુલ કોંગ્રેસનાં સંસદસભ્ય મહુઆ મોઈત્રા સામે ‘કેશ ફોર ક્વેરી’ કૌભાંડના કરવામાં આવેલા આક્ષેપની તપાસ કરવામાં આવશે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ આ પ્રકરણ નૈતિક સમિતિ (એથિક્સ કમિટી)ને તપાસાર્થે સુપરત કર્યું છે. ભાજપાના સંસદસભ્ય નિશિકાંત દુબેએ એવો આક્ષેપ કર્યો છે કે મહુઆ મોઈત્રાએ સંસદમાં સવાલો રજૂ કરવા માટે ઉદ્યોગપતિ પાસેથી રોકડ રકમ અને ગિફ્ટ લીધી હતી. દુબેએ ઓમ બિરલાને આ પ્રકરણમાં તપાસ કરવાની વિનંતી પણ કરી હતી. તેના સંદર્ભમાં બિરલાએ આ મામલો એથિક્સ કમિટીને સુપરત કર્યો છે.
ભાજપના ઝારખંડમાંના સાંસદ દુબેએ એવો આક્ષેપ કર્યો છે કે મહુઆ મોઈત્રાએ સંસદમાં સવાલો પૂછવા માટે દર્શન હિરાનંદાની પાસેથી લાંચરૂપે રોકડ રકમ અને ભેટ લીધી હતી. મોઈત્રા અને હિરાનંદાનીએ દુબેના આક્ષેપોને રદિયો આપ્યો છે.