નાગરિકતા (સુધારા) ખરડો લોકસભામાં 311-80 મતોના માર્જિનથી પાસ

નવી દિલ્હી – પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક દમનથી ત્રાસીને ભારતમાં આવી રહેલા બિન-મુસ્લિમ નિરાશ્રીતોને ભારતનું નાગરિકત્વ આપવાની પરવાનગી આપતો ખરડો – સિટીઝનશિપ અમેન્ડમેન્ટ બિલ (CAB) અર્થાત નાગરિકત્ત્વ સુધારા ખરડો લોકસભાએ પાસ કરી દીધો છે.

ગઈ કાલે સાત કલાક સુધી લાંબી ચર્ચા ચાલ્યા બાદ, મધરાત વીતી ગયા બાદ લોકસભામાં આ ખરડા પર મતદાન થયું હતું અને 311 મત સરકારની તરફેણમાં (ખરડાની તરફેણમાં) પડ્યા હતા અને 80 મત વિરુદ્ધમાં પડ્યા હતા.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હવે આ ખરડાને આવતીકાલે બુધવારે રાજ્યસભામાં રજૂ કરશે. રાજ્યસભાની પણ મંજૂરી મળી જશે તો જ આ ખરડો કાયદાનું સ્વરૂપ ધારણ કરશે. ચર્ચા દરમિયાન અમિત શાહે સંસદને ખાતરી આપી હતી કે આ ખરડો જરાય કોમવાદી નથી, તેમજ મૂળ ભારતીયોને હાનિ પહોંચાડનારો પણ નથી.

આ ખરડામાં અનેક સુધારા કરવાની માગણી શિવસેના સહિતના વિપક્ષી સભ્યોએ કરી હતી, પરંતુ મૌખિક મતદાન વખતે કે ડિવિઝન વખતે એ ફગાવી દેવામાં આવી હતી.

સૂચિત કાયદા અનુસાર, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક અત્યાચાર સહન કર્યા બાદ ત્યાંથી ત્રાસી જઈને 2014ની 31 ડિસેંબર સુધીમાં ભારતમાં આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી ધર્મોનાં લોકોને ગેરકાયદેસર વસાહતીઓ તરીકે ગણવામાં નહીં આવે, પણ એમને ભારતીય નાગરિકત્વ આપીને એમને ભારતીય બનાવી દેવામાં આવશે.

અમિત શાહનો વિપક્ષો પર આકરો પ્રહાર

અમિત શાહે આક્રમક શૈલીમાં ભાષણ કરીને વિપક્ષો પર આકરાં પ્રહારો કર્યા હતા. એમણે કહ્યું કે જો કોંગ્રેસ પાર્ટીએ દેશના ભાગલા પાડ્યા ન હોત તો મારે આ ખરડો આજે રજૂ કરવો પડ્યો ન હોત. આ ખરડો જરાય ગેરબંધારણીય નથી. દેશના ભાગલા ધર્મના આધારે જ કરવામાં આવ્યા હતા. દેશના ભાગલા જો ધર્મના આધારે પડ્યા ન હોત તો સારું થાત. તો આ બિલ લાવવાની જરૂર જ પડી ન હોત.

શાહે કહ્યું છે કે ભારતમાં હિન્દુઓની વસ્તી ઘટી છે. એવી જ રીતે, પાકિસ્તાનમાં પણ હિન્દુઓની વસ્તી ઘટી છે. 1947માં પાકિસ્તાનમાં 23 ટકા હિન્દુઓ હતા, પણ 2011ની વસ્તી ગણતરી અનુસાર એ આંકડો ઘટીને માત્ર 3.4 ટકા રહી ગયો હતો.

શાહે કહ્યું કે પડોશી દેશોમાં લોકો પર થઈ રહેલા અત્યાચારોને ભારત મૂક દર્શક બનીને જોતું બેસી ન શકે. ભારત એ સમસ્યા સામે ચૂપ રહી ન શકે.

અમિત શાહે કહ્યું કે જે લોકો વોટ બેન્ક માટે ઘૂસણખોરોને આશ્રય આપવા માગે છે એમને અમે સફળ થવા નહીં દઈએ. વોટ માટે ઘૂસણખોરોને આશ્રય આપવામાં આવે એ ચિંતાજનક બાબત છે. રોહિંગ્યા લોકોને ક્યારેય પણ સ્વીકારવામાં નહીં આવે. રોહિંગ્યા લોકો બાંગ્લાદેશ મારફત ભારતમાં આવે છે. પારસી લોકો પણ ઈરાનમાં અત્યાચારનો સામનો કર્યા બાદ ભારત આવ્યા હતા. કોંગ્રેસ પાર્ટીએ મહંમદ અલી જિન્નાની ટૂ-નેશન થિયરીનો શા માટે સ્વીકાર કર્યો હતો? કોંગ્રેસે ભારતના ભાગલા થતા રોક્યા કેમ નહોતા? PoK આપણું જ છે અને ત્યાંના લોકો પણ આપણા જ છે.

કોંગ્રેસના શશી થરૂરે કહ્યું કે આજે આપણા બંધારણ માટે આજનો દિવસ કાળો છે. જે કંઈ થયું છે એ ગેરબંધારણીય છે. આ ખરડા દ્વારા સીધી રીતે મુસલમાનોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે, જે શરમજનક છે.

આ ખરડો કાયદો બનશે તો બહારના દેશોમાંથી આવેલા નિરાશ્રિતો કાયદેસર ભારતીય નાગરિક બની જશે તેથી પોતાની મૂળ સંસ્કૃતિ છીનવાઈ જશે એવી ઈશાન ભારતના રાજ્યોનાં લોકોના ડરને ફગાવી દેતાં અમિત શાહે કહ્યું કે મોદી સરકાર ઈશાન ભારતનાં લોકોનાં મૂળ રીતરિવાજો અને સંસ્કૃતિનું રક્ષમ કરવા પ્રતિબદ્ધ છે.