લોકસભા ચૂંટણીઃ સરેરાશ 65 ટકા મતદાન, શ્રીનગરમાં માત્ર 36 ટકા

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ચોથા તબક્કામાં દેશની 96 સીટો પર મતદાન થઈ રહ્યું છે. બંગાળની પશ્ચિમ વર્ધમાન સીટમાં TMCના કાર્યકર્તાઓએ પથ્થરબાજી કરી હતી, જેમાં CRPFનો એક જવાન ઇજાગ્રસ્ત થયો હતો. 

લોકસભા ચૂંટણીમાં સાંજે છ વાગ્યા સુધી સૌથી વધુ મતો પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશમાં થયું છે, જ્યારે સૌથી ઓછા મતો જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં પડ્યા છે. આ સાથે સાંજે છ કલાક સુધી આંધ્ર પ્રદેશમાં 68 ટકા, બિહારમાં 54.1 ટકા, જમ્મુ અને કાશ્મીરમાં 35.8 ટકા, ઝારખંડમાં 63.1 ટકા, મધ્ય પ્રદેશમાં 68 ટકા, મહારાષ્ટ્રમાં 52.5 ટકા, ઓડિશામાં 62.9 ટકા, તેલંગાણામાં 61.2 ટકા, ઉત્તર પ્રદેશમાં 56.4 ટકા અને પશ્ચિમ બંગાળમાં 75.7 ટકા મતદાન થયું હતું.

આંધ્ર પ્રદેશની તમામ 25 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. મતદાન શરૂ થતાંની સાથે જ પોલિંગ બૂથ પર બબાલના અહેવાલ સામે આવ્યા. જેમાં YCP કાર્યકરો પર માચેરલામાં TDP બૂથ એજન્ટો પર હુમલો કરવાનો આરોપ લાગ્યો હતો. હુમલામાં બે એજન્ટોને માથામાં ઈજા થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. TDPએ YSRCP નેતા રામચંદ્ર રેડ્ડી પર સાત પોલિંગ બૂથ એજન્ટોના અપહરણ અને કેદ કરવાનો આરોપ લગાવ્યો હતો.

ચોથા તબક્કામાં વિવિધ રાજકીય પક્ષોના કુલ 1717 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં આંધ્ર પ્રદેશમાં 454, બિહારમાં 55, જમ્મુ-કાશ્મીરમાં 24, ઝારખંડમાં 45, મધ્ય પ્રદેશમાં 74, મહારાષ્ટ્રમાં 298, ઓડિશામાં 37, તેલંગાણામાં 525, ઉત્તર પ્રદેશમાં 130 અને પશ્ચિમ બંગાળમાં 75 ઉમેદવારોનો સમાવેશ થાય છે.