પત્રના જવાબમાં પત્રઃ PMના ટેકામાં 197 નિવૃત્ત અધિકારીઓ

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીવિરોધીઓની સામે મોદીતરફીઓ એકજૂટ થયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશમાં નફરતનું રાજકારણ ખતમ કરવા માટે 100થી વધુ ભૂતપૂર્વ અધિકારીઓએ એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં ભાજપ શાસિત રાજ્યોમાંથી નફરતના રાજકારણને દૂર કરવા માટે કહેવામાં આવ્યું હતું. કોન્સ્ટિટ્યુશનલ કંડક્ટ ગ્રુપ (CCG) દ્વારા દેશમાં નફરતના રાજકારણને ખતમ કરવા માટે લખવામાં આવેલા પત્રના જવાબમાં સ્વયંભૂ 197 લોકોએ વડા પ્રધાન મોદીને ખુલ્લો પત્ર લખ્યો છે. આ લોકોમાં દેશના આઠ નિવૃત્ત જજ, નિવૃત્ત અધિકારીઓ અને 92 નિવૃત્ત સશસ્ત્ર દળોના અધિકારીઓ સામેલ છે.

તેમણે લખેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે CCGનો પત્ર એ હતાશાનું પરિણામ છે, જે હાલ વિધાનસભાની ચૂંટણીમાં PM મોદીના પ્રતિ એકજૂટતા બતાવતા સામે આવ્યો છે. એમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે CCGનો પત્ર સામાજિક ઉદ્દેશની ઉચ્ચ ભાવનાઓવાળા નાગરિકોના રૂપે ધ્યાન આકર્ષિત કરવા માટે વારંવાર કરવામાં આવતા પ્રયાસ છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે એ મોદી સરકારવિરોધી રાજકીય ઝુંબેશ છે, જે એ માને છે કે એ સત્તારૂઢ વ્યવસ્થાની સામે જનતાના મતને આકાર આપી શકે છે.

આ પત્રમાં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પછી ફાટી નીકળેલી હિંસાની ઘટનાઓ પર CCGના મૌન પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે. આ પત્રમાં યોગ્ય વિચારવાળા નાગરિકોએ આ લોકોને બેનકાબ કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું. ભૂતપૂર્વ જજો અને ભૂતપૂર્વ અધિકારીઓએ કહ્યું હતું કે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવી રાખવા બધાએ સાથે આગળ આવવું જોઈએ.

આ પહેલાં PM મોદીને CCGએ લખેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે  સામાજિક જોખમો સામે મોદીનું મૌન ઠીક નથી.