લેબર ડેઃ લોકડાઉન દરમિયાન અનેક મજૂરોનાં મોત થયા છે

નવી દિલ્હીઃ આજે દેશ મજૂર દિવસ (લેબર ડે) મનાવી રહ્યો છે. કોરોના વાઈરસને પગલે લોકડાઉનનો સમય દેશના પ્રવાસી મજૂરો માટે સૌથી મુશ્કેલ બની રહ્યો છે. ગઈ 26 માર્ચથી 27 એપ્રિલ સુધીમાં દેશમાં જુદા જુદા સ્થળે 44 મજૂરોનાં મોત થયાના અહેવાલો છે. આમાં કોઈ મજૂરે ઘેર જવા માટે 25 દિવસમાં 2800 કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો તો કોઈ મજૂરે રસ્તામાં જીવ ગુમાવ્યો છે. કોઈનું પગપાળા (વધુપડતું) ચાલીને મોત થયું છે તો કોઈએ આત્મહત્યા કરી લીધી છે. ગુજરાતથી પોતાના ઘરે આસામ પહોંચેલો જાદવ અને બિહારનો રામજી મહાતો દિલ્હીથી પોતાને ઘેર જવા તરફ નીકળ્યો હતો પણ વારાણસી પહોંચીને એનું મોત થયું હતું.

મજૂરોની કફોડી હાલત

મજૂરોને જ્યારે માલૂમ પડ્યું હતું કે લોકડાઉનને લીધે ફેક્ટરીઓ અને કામધંધા બંધ થઈ ગયા છે, ત્યારે તેમને રોજીરોટી માટે ફાંફાં પડવા લાગ્યાં. વળી લોકડાઉન કેટલું લાંબું સમય ચાલશે, એ પણ અનિશ્ચિત થતાં એમને પોતાના વતન, ઘરે પહોંચવા માટેની ઉતાવળ થવા માંડી. હવે ટ્રેન-બસ તો બંધ હતા. વળી પત્ની અને બાળકો સહિત પરિવારને નિભાવવાની જવાબદારી હતી. એટલે નિર્ણય લીધો કે પગપાળા ચાલી નીકળીએ, ચાલતાં-ચાલતાં પહોંચી જઈશું. અહીં રહીશું તો ભૂખ્યા મરી જઈશું.

આમ કેટલાક પગપાળા, કેટલાક સાઇકલ પર તો કેટલાક ત્રણ પૈડાવાળી સાઇકલ – જે તેમની કમાણીનું સાધન છે, એના પર બેસીને ઘરે જવા નીકળ્યા, પણ આમાં ઘરે પહોંચવાનું અંતર  20-50 કિલોમીટર નહીં, બલકે 100-200 અને 3000 કિલોમીટરનું અંતર હતું.

વધુપડતું ચાલવાને કારણે મોત

લોકડાઉનને કારણે યુપીનો એક મજૂર 1500 કિલોમીટર ચાલ્યો અને જેમતેમ કરીને 14 દિવસે ઘરે પહોંચ્યો, પણ ત્યાં તેને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યો તો બપોરે તેનું મોત થયું. છેલ્લા દિવસોમાં તે માત્ર બિસ્કિટ ખાઈને જ જીવતો હતો.

બીજો  આવા કિસ્સો મધ્ય પ્રદેશના મજૂરનો છે, નવી મુંબઈથી 1400 કિમી પગપાળા લોકડાઉનને લીધે નીકળી પડ્યો હતો, પણ 60 કિલોમીટર ચાલીને થાણે પહોંચતાં રસ્તામાં જ મોત થયું હતું.

દેશમાં પ્રવાસી મજૂરોનો કોઈ ડેટા નથી

દેશમાં કેટલા પ્રવાસી મજૂરો છે, એનો કોઈ ડેટા નથી. કેન્દ્રીય શ્રમ રાજ્યપ્રધાન સંતોષ સિંહ ગંગવારે 16 માર્ચ, 2020માં લોકસભામાં અંદાજિત આંકડા જણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે 2011ની વસતિ ગણતરી પ્રમાણે દેશમાં 48.2 કરોડ મજૂરો છે. આ આંકડા 2016માં 50 કરોડથી વધુ હોવાની શક્યતા છે. હવે ધારો કે આમાં 20 ટકા પ્રવાસી મજૂરો હશે તો એ પ્રવાસી મજૂરોની સંખ્યા 10 કરોડથી વધુ હશે.

‘મજૂર દિવસ’ પહેલી મેએ જ કેમ મનાવવામાં આવે છે?

‘મજૂર દિવસ’ દર વર્ષે પહેલી મેએ એવા લોકોની યાદમાં ઊજવવામાં આવે છે, જેમના ખૂન-પસીનાથી દેશ અને દુનિયાના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા હોય છે. મજૂર દિવસ કેટલાંય વર્ષોથી પહેલી મેએ ઊજવવામાં આવે છે. આ લેબર ડેએ દેશની મોટા ભાગની કંપનીઓમાં રજા હોય છે. ભારત જ નહીં પણ આશરે 80 દેશોમાં આ દિવસને ઊજવવામાં આવે છે.

મજૂર દિવસની શરૂઆત ક્યારે

આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની શરૂઆત પહેલી મે, 1886એ થઈ હતી, જ્યારે અમેરિકામાં મજૂર યુનિયનના સભ્યોએ કામનો સમય આઠ કલાકથી વધુ ના રાખવા માટે માગ કરી હતી અને એને માટે હડતાળ પણ કરી હતી. આ હડતાળ દરમ્યાન શિકાગોના હેમાર્કેટમાં બોમ્બધડાકો થયો હતો. આ હડતાળના દેખાવકારો અને હડતાળને ખતમ કરવા માટે પોલીસે મજૂરો પર ગોળીઓ ચલાવી હતી, જેમાં કેટલાય મજૂરો માર્યા ગયા હતા. શિકાગોમાં શહીદ થયેલા મજૂરોની યાદમાં પહેલી વાર મજૂર દિવસ ઊજવવામાં આવ્યો હતો.