નવા આર્મી ચીફ મનોજ નરવણેઃ સ્વચ્છ છબી અને અનુશાસનના આગ્રહી

નવી દિલ્હી: ઈન્ડિયન આર્મીને નવા પ્રમુખ મળી ગયા છે. મંગળવારે લેફ્ટિનેન્ટ જનરલ મનોજ મુકુંદ નરવણેએ ઈન્ડિયન આર્મીની કમાન સંભાળી છે. નરવણેએ જનરલ બિપિન રાવતનું સ્થાન લીધુ, જે ત્રણ વર્ષ સુધી સેના પ્રમુખ રહ્યા બાદ દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.  મહારાષ્ટ્ર સાથે સંકળાયેલા નરવણે દેશમાં કપરા સમયમાં પણ સફળતા અને શ્રેષ્ઠ નેતૃત્વ પુરું પાડવાની ક્ષમતા માટે જાણીતા છે. આ સાથે જે નવા આર્મી ચીફ પોતાના સહકર્મીઓ અને સ્ટાફ વચ્ચે સ્વચ્છ છબી અને સારા વર્તનને લીધે પણ લોકપ્રિય છે. ચીન સાથે જોડાયેલા સુરક્ષાના મુદ્દાઓ પર પણ જનરલ નરવણે મજબૂત પકડ ધરાવે છે.

નરવણે સેનાના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે હંમેશા સતર્ક રહેનારા અધિકારી તરીકે વધુ જાણીતા છે. તેઓ જવાનોને એલએસી પર ભલે શાંત સ્થિતિ હોય છતા પણ હંમેશા સતર્કતાથી કામ લેવાનો આગ્રહ રાખે છે. તેમના માટે મહત્વનું એ છે કે કોઈપણ રીતે જવાનને કોઈ નુકસાન ના પહોંચે. પોતાના લાંબા કાર્યકાળમાં નજરલ નરવણેને અનેક સમ્માનો મળ્યા છે. તેમને સેના મેડલ, વિશિષ્ટ સેવા મેડલ પણ એનાયત થયેલા છે.

ભારતીય સેના માટે વર્તમાન સમયે ચીન સાથે સંકળાયેલો સુરક્ષાનો મુદ્દો અત્યંત મહત્વપૂર્ણ છે. ભૂમી દળના નવા વડા નરવણે આ મામલે ઊંડો અનુભવ ધરાવે છે. ઈન્ડો-ચાઈના બોર્ડ પર તેમણે લાંબા સમય સુધી સેવા આપી છે અને ચીન સંલગ્ન સુરક્ષાને તેઓ જીણવટપૂર્વક સમજી શકે છે. નાયબ સેનાધ્યક્ષ બનતા પૂર્વે નરવણે ઈસ્ટર્ન કમાન્ડના પ્રમુખ હતાં. ઈસ્ટર્ન કમાન્ડ પર દેશની 4,000 કિ.મીની સરહદી સુરક્ષાની જવાબદારી હોય છે.

નરવણે સાથે કામ કરી ચુકેલા અધિકારીઓ તેમને એક આદર્શ અધિકારી ગણાવે છે. સપ્ટેમ્બરમાં ડેપ્યુટી આર્મી ચીફ પદે નિયુક્ત થયા તે અગાઉ કોલકાતામાં તેઓ ઈસ્ટર્ન આર્મી કમાંડના વડા હતા. અધિકારીઓએ જણઆવ્યું છે કે કોઈપણ વાતને સ્પષ્ટ રીતે રજૂ કરે છે. નવા આર્મી ચીફને નજીકથી જાણનારા લોકોના મતે તેઓ અનુશાસન અને ચુસ્તતાના આગ્રહી તરીકે તેઓ હાર્ડ ટાસ્ટ માસ્ટર છે. સ્વચ્છ છબી હોવાથી તેમનું નામ વિવાદમાં આવ્યું નથી.

લેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવણેએ 31 ડિસેમ્બરના આર્મી ચીફ તરીકે જનરલ બિપિન રાવતનું સ્થાન લીધું છે. આ સાથે જ તેઓ નેશનલ ડિફેન્સ એકેડમી (એનડીએ)ના પોતાના કોર્સમેટ- એડમિરલ કરમબીર સિંહ અને એર ચીફ માર્શલ રાકેશ કુમાર સિંહ ભદોરિયા સાથે મળીને દેશની સેનાનું નેતૃત્વ કરી રહ્યા છે. નરવણે રાષ્ટ્રીય સુરક્ષા અકાદમી અને ભારતીય સૈન્ય અકાદમીના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. તેમને જૂન 1980માં શીખ લાઇટ ઈન્ફન્ટ્રી રેજિમેન્ટની સાતમી બટાલિયનમાં કાર્યભાર સોંપવામાં આવ્યો હતો.