ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખપદે મુસ્લિમ ચહેરોઃ જાણો તારિક મન્સૂર વિશે…

નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભૂંડો પરાજય થયા બાદ ભારતીય જનતા પાર્ટીએ સંગઠન કક્ષાએ ફેરફારોની શરૂઆત કરી દીધી છે. હવે મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પાર્ટીએ તેની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિમાં અનેક નવા ચહેરાઓને તક આપવાનો નિર્ણય લીધો છે. આમાં એક છે, ભાજપના ઉત્તર પ્રદેશ વિધાન પરિષદના સભ્ય તારિક મન્સૂર, જેમને ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

મન્સૂર ઉત્તર પ્રદેશ સ્થિત દેશની પ્રતિષ્ઠિત અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ છે. તેઓ પસમંદા નામક પછાત મુસ્લિમ સમાજમાંથી આવે છે. તેથી 2024ની લોકસભા ચૂંટણીમાં પસમંદા સમાજના મતદારો તથા અન્ય લઘુમતી મતદારોને  આકર્ષિત કરવા માટે ભાજપે આ રાજકીય દાવ ખેલ્યો હોવાનું મનાય છે.

ભાજપના ટોચના નેતાઓએ પસમંદા સમાજના અનેક આગેવાનોનો સંપર્ક કર્યો હતો અને બાદમાં તારિક મન્સૂર પર પસંદગી ઉતારી છે. ભાજપે ગયા વર્ષે મન્સૂરને ઉ.પ્ર. વિધાનપરિષદના સદસ્ટ નિયુક્ત કર્યા હતા. હવે એમને સીધા પક્ષના રાષ્ટ્રીય ઉપપ્રમુખ પદે જ નિયુક્ત કરી દીધા છે. આમ કરીને ભાજપે અલ્પસંખ્યક લોકોને પ્રતિનિધિત્વ આપવાની શરૂઆત કરી દીધી છે.