ચાકુબાજીના ઘટનાઃ આરોપીના ઘર પર બુલડોઝર ફેરવાયું

ઉદેપુરઃ ઉદેપુરમાં ચાકુબાજીની ઘટનામાં વહીવટી તંત્રએ મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા વહીવટી તંત્રએ આરોપી વિદ્યાર્થીના ઘર પર બુલડોઝર ચલાવી દીધું છે અને એનું ઘર તોડી નાખ્યું છે. એ સાથે વીજ કનેક્શન પણ કાપી નાખ્યું છે. આ ઘટના પછી આ વિસ્તારમાં સાંપ્રદાયિક તણાવની સ્થિતિ બની હતી અને ભીડે અનેક કારોને આગ લગાવી દીધી હતી અને પથ્થરમારો કર્યો હતો.

બીજી બાજુ ચાકુબાજીની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીની સારવાર ચાલી રહી છે, ત્યારે વિદ્યાર્થીની હાલત હજુ પણ નાજુક છે. ઉદયપુરમાં ચાકુબાજીની ઘટનામાં આરોપીના ખાંજીપીરની દીવાનશાહ કોલોનીમાં આવેલા ઘર પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવીને તોડી નાખવામાં આવ્યું છે. આ દરમિયાન બુલડોઝર ચલાવતી વખતે પોલીસને સાથે રાખીને તમામ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ઘટનાની જાણકારી લોકોને થવાની સાથે મોટી સંખ્યામાં ટોળું રસ્તા પર ઊતરી આવીને બહાર પાર્ક કરેલાં વાહનો પર પથ્થરમારો કરવાનું શરૂ કરી દીધું હતું. આ પછી શહેરમાં અફરાતફરી મચી ગઈ હતી. બીજી તરફ, સુરક્ષાની ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જિલ્લામાં ઈન્ટરનેટ સેવા શુક્રવાર રાતના 10 વાગ્યાથી શનિવાર રાતના 10 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવી છે. આ સાથે જિલ્લામાં 163 કલમ લાગુ કરવામાં આવી છે.

શું હતી ઘટના?

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટના ગયા શુક્રવારે બની હતી. જ્યારે થોડા દિવસો પહેલા બંને વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ગઈ કાલે એક વિદ્યાર્થી તેની કોલેજ બેગમાં ચાકુ લઈને આવીને અન્ય બીજા વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. આ પછી ક્લાસરૂમમાં અવાજ થતા સ્કૂલ સ્ટાફને આ ઘટનાની જાણકારી મળી હતી.