તિરુવનંતપુરમ- કેરળમાં જળપ્રલયથી સર્જાયેલી તબાહી અટકવાનું નામ નથી લઈ રહી. હવે વરસાદે વિરામ લેતાં લોકોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ ભારે વરસાદે સર્જેલા વિનાશે અનેક લોકોના જીવ લીધા તો બીજી તરફ લાખો લોકોએ તેમનું ઘર ગુમાવ્યું અને રાહત શિવિરમાં આશરો લેવા મજબૂર થયા છે.રાજ્યમાં પૂરના પ્રકોપથી 7 લાખ 24 હજાર 649 લોકોને રાહત શિવિરોમાં શરણ લેવી પડી છે. પૂર પીડિતો માટે 5 હજાર 645 રાહત શિવિર બનાવવામાં આવ્યા છે. અને અત્યાર સુધીની માહિતી મુજબ કેરળમાં પૂરને કારણે 370 લોકોએ તેમનાં જીવ ગુમાવ્યા છે.
કેન્દ્રીય પ્રધાન કે.જે. એલફોન્સે જણાવ્યું કે, કેરળમાં પૂરને કારણે હાલમાં કોઈ પણ ઘરમાં વીજળી નથી અને કોઈ અન્ય પ્રકારની પણ સુવિધા નથી. વધુમાં કેન્દ્રીય પ્રધાને જણાવ્યું કે, કેરળમાં અત્યારે સૌથી વધુ જરુર ઈલેક્ટ્રીશિયન, પ્લંબર અને કાર્પેન્ટરની છે. કપડા અને ભોજનની હવે વિશેષ જરુરિયાત નથી.
પૂરથી સર્જાયેલા વિનાશ વચ્ચે રાહતના સમાચાર એ છે કે, કેરળના દરેક જિલ્લામાં જારી કરવામાં આવેલું રેડ એલર્ટ પરત લેવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદથી રાહત મળશે તેવો દાવો કર્યો છે. પરંતુ મુશ્કેલીના આ સમયમાં કેરળમાં થયેલા જાન-માલના નુકસાનથી ત્યાંના લોકોનું જીવન થાળે પડતાં હજી સમય લાગશે. હાલમાં ઈડુક્કી, કોઝીકોડ અને કુન્નૂર જિલ્લામાં યલો એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે.