નવી દિલ્હીઃ કેટલીક ભૂલો એવી હોય છે કે ભવિષ્યમાં એ ભૂલો વિશે આપણને બહુ પસ્તાવો થાય. કારગિલ યુદ્ધ વખતે ભારતીય સેનાના પ્રમુખ જનરલ વીપી મલિકને એ વાતનો ખટકો છે કે તેમને પાકિસ્તાની વિસ્તાર પર કબજાની મંજૂરી નહીં મળી. 22 વર્ષ પહેલાં 1999માં પાકિસ્તાન સાથે થયેલા સેનાના સંઘર્ષે યુદ્ધના નિયમો અને પાકિસ્તાનની સાથે આપણા સંબંધોને બદલી કાઢ્યા હતા. જોકે કારગિલ યુદ્ધમાં કેટલાક પાકિસ્તાની વિસ્તારોમાં કબજો કરવાની મંજૂરી મળવી જોઈતી હતી, એમ જનરલ મલિકે કહ્યું હતું. જનરલ મલિકે કહ્યું હતું કે સેનાનું ઓપરેશન વિજય રાજકીય, સેના અને કૂટનીતિનું શાનદાર મિશ્રણ હતું. આ યુદ્ધમાં પાકિસ્તાને બહુ નુકસાન ભોગવવું પડ્યું હતું.કારગિલ યુદ્ધે આંતરરાષ્ટ્રીય જગતમાં ભારતને એક એવા જવાબદાર અને લોકતાંત્રિક રાષ્ટ્રની છબિ ઉપસાવી, જેથી ક્ષેત્રીય અખંડડિતતાની સુરક્ષા કરવા માટે ભારત પ્રતિબદ્ધ અને સંપૂર્ણ રીતે સક્ષમ છે.તેઓ કહે છે કે કારગિલ યુદ્ધથી સ્પષ્ટ થયું હતું કે પરમાણુ શક્તિ સંપન્ન રાષ્ટ્ર હોવાને લીધે ભારત સંપૂર્ણ યુદ્ધ તો નહીં, પણ સીમા વિવાદને કારણે સીમિત પારંપરિક યુદ્ધ તો કરી શકે છે.
મલિકે કહ્યું હતું કે ભારતમાં પાકિસ્તાન પ્રતિ વિશ્વાસનો સ્તર તળિયે પહોંચ્યો હતો. પાકિસ્તાનની આ ચાલથી વડા પ્રધાન વાજપેયીને અને તેમની કેબિનેટને આંચકો લાગ્યો હતો. વાજપેયીએ શરીફને કહ્યું હતું કે તમે પીઠમાં છરો ભોંક્યો છે. સરકાર મૂંઝવણમાં હતી કે આ ઘૂસણખોર કરી રહેલા આતંકવાદીઓ છે કે પાકિસ્તાની સેના, જોકે કેટલાક સમય પછી ભારતીય દળોને વિશ્વાસ થયો હતો કે કારગિલમાં સફળતા મળશે.
તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન અને ચીન જેવા પડોશી દેશો છતાં સેનાની તૈયારીઓને લઈને ભારતની ઉદાસીનતા ઊડીને આંખે વળગે તેમ હતી. સરકારનું વલણ સેના પ્રત્યે ઉદાસીન હતું. કારગિલ યુદ્ધના કેટલાંક વર્ષો પહેલાં સેના પાસે ફંડની અછત હતી.