નવી દિલ્હી – કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પક્ષના મહામંત્રી પદેથી આજે રાજીનામું આપી દીધું છે. લોકસભાની ગઈ વેળાની ચૂંટણીમાં પક્ષના કંગાળ દેખાવની જવાબદારી પોતાને શિરે લઈને એમણે રાજીનામું આપ્યું છે.
સિંધિયાએ ટ્વીટમાં જણાવ્યું છે કે, જનતાનો નિર્ણય સ્વીકારીને અને જવાબદારી લઈને મેં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહામંત્રી પદેથી મારું રાજીનામું રાહુલ ગાંધીને સુપરત કરી દીધું છે.
સિંધિયાએ વધુમાં લખ્યું છે કે મને જવાબદારી આપવા બદલ અને પક્ષની સેવા બજાવવાની તક આપવા બદલ હું એમનો આભાર માનું છું.
મિલિંદ દેવરાએ મુુંબઈ પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામું આપ્યું
કોંગ્રેસના મુંબઈસ્થિત નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મિલિંદ દેવરાએ મુંબઈ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું છે. એમણે કહ્યું છે કે, પોતે રાષ્ટ્રીય સ્તરે પક્ષને મજબૂત કરવા માટે કોઈક ભૂમિકા ભજવવા તૈયાર છે.
દેવરાએ પણ લોકસભાની ચૂંટણીમાં પાર્ટીનો મુંબઈમાં જે રકાસ થઈ ગયો એની જવાબદારી પોતાના શિરે લીધી છે. એમણે કહ્યું કે રાહુલ ગાંધી સાથે બેઠક યોજ્યા બાદ રાજીનામું આપવાનો મેં નિર્ણય લીધો છે.