ભોપાલ: મધ્યપ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કોંગ્રેસ મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયાની નારાજગીને લઈને અટકળો ચાલી રહી છે. સોમવારે સિંધિયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી પોતાનો બાયોડેટા (કોંગ્રેસી પરિયચ) બદલી નાખ્યો છે. તેમના નવા બાયોડેટામાં પોતાને લોક સેવક અને ક્રિકેટ પ્રેમી બતાવ્યા છે. આ પહેલાં સિંધિયાની ટ્વિટર પ્રોફાઇલમાં પૂર્વ કેંદ્રીય મંત્રી અને પૂર્વ સાંસદ લખેલું હતું. હવે જ્યારે સિંધિયાએ ટ્વિટર પ્રોફાઇલ બદલી છે ત્યારે ઘણા સવાલો ઊભા થયા છે. સિંધિયાની આ નવી પ્રોફાઇલમાં કૉંગ્રેસનો ક્યાય ઉલ્લેખ નથી.
આ ફેરફાર અંગે સિંધિયાએ કહ્યું કે, મેં મારા બાયોડેટામાં લગભગ એક મહિના પહેલા પરિવર્તન કર્યું હતુ. લોકોની સલાહ પર મે બાયોડેટા ટુકી કરી હતી. હવે આના લઈને જે અફવા ઉડી રહી છે, તે સંપૂર્ણ રીતે નિરાધાર છે.
મહત્વનું છે કે, જ્યોતિરાદિત્ય સિંધિયાનાં તાજેતરના દિવસોમાં જ એવાં નિવેદન આવ્યાં હતાં, જેના પરથી એમ લાગતું હતું કે, તેમના અને કોંગ્રેસ વચ્ચે કઈંક ઠીક નથી. સિંધિયાએ દેવા માફી, પૂર રાહત રાશિ માટે સર્વે અને વિજળી કાપની બાબતોમાં પોતાની જ પાર્ટીની કમલનાથ સરકાર પર સવાલો કર્યા હતા. જેના કારણે બીજેપીને પણ કમલનાથ સરકાર પર વાર કરવાની ઘણી તકો મળી હતી.
આ સિવાય સિંધિયાએ કશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કરવાના કેંદ્ર સરકારના પગલાનું પણ સમર્થન કરતું ટ્વિટ કર્યું હતું, જેના પર બહુ રાજકિય હોબાળો પણ થયો હતો. ઉલ્લેખનિય છે કે, સિંધિયા સમર્થક મંત્રી અને ધારાસભ્યો શરૂઆતથી જ તેમને મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાની માંગણી કરી રહ્યા છે, પ્રદેશમાં કોંગ્રેસની વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીત બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાને મુખ્યમંત્રી બનાવવાની માંગણી સાથે સમર્થકોએ ભોપાલથી લઈને દિલ્હી સુધી પ્રદર્શન કર્યું હતું.