નવી દિલ્હી: દિલ્હીની જવાહરલાલ નહેરુ યૂનિવર્સિટીમાં ફી વધારવાના મુદ્દે વિદ્યાર્થીઓએ શરૂ કરેલો વિરોધ હજુ અટક્યો નથી. આજે વિદ્યાર્થીઓએ કાઢેલી સંસદ માર્ચ પર પોલીસે સફજરજંગ મકબરા પાસે લાઠીચાર્જ કર્યો જેમ અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. આ પહેલા યૂનિવર્સિટી પરિસરમાં સોમવારે બપોરે 12 વાગ્યાની આસપાસ શરુ થયેલ માર્ચને દિલ્હી પોલીસ અને અર્ધસૈનિક દળના જવાનોએ રોકવાનો પ્રયત્ન કર્યો પણ મોટી સંખ્યામાં પહોંચેલા વિદ્યાર્થીઓને પરિસરમાં રોકવામાં અસમર્થ રહ્યા.
મંગળવારે જેએનયુ વિદ્યાર્થી એસોસિયેશને પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારને સીધો પડકાર આપ્યો છે કે, તેઓ ઝુકવાના નથી. વિદ્યાર્થીઓ જાહેરાત કરી છે કે, જ્યાં સુધી સરકાર તરફથી વધારવામાં આવેલી હોસ્ટેલ ફી પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. JNUSUના અધ્યક્ષ આઈશી ઘોષે જાહેરાત કરી છે કે વારંવાર સંસદ ઘેરવાની જરૂર પડશે તો તે પણ કરીશું.
પ્રેસ કોન્ફરન્સમાં વિદ્યાર્થીઓ તરફથી કહેવામાં આવ્યું હતું કે, અમે 23 દિવસથી માંગણી કરી રહ્યા છીયે પરંતુ કોઈ અમારી વાત સાંભળતુ નથી. દિલ્હી પોલીસ દ્વારા જે લાઠી ચાર્જ કરવામાં આવ્યો તે ક્રૂરતા છે. તેના કારણે ઘણાં વિદ્યાર્થીઓ ઘાયલ છે અને તેથી તેઓ પ્રેસ કોન્ફરન્સનો હિસ્સો બની શક્યા નથી. પ્રેસ કોન્ફરન્સમાં વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો કે, દિલ્હી પોલીસના પુરુષ જવાનો દ્વારા વિદ્યાર્થીઓને પકડવામાં આવી રહ્યા છે, જે સંપૂર્ણ રીતે ગેરકાયદે છે.
વિદ્યાર્થીઓએ કહ્યું કે, છેલ્લા 23 દિવસોથી કોઈ અમારી વાત સાંભળતુ નથી. તેથી અમે સંસદ સત્રના પહેલા દિવસને પસંદ કર્યો છે જેથી અમે અમારો અવાજ પહોંચાડી શકીયે. પ્રેસ કોન્ફરન્સમાં જેએનયુ વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઈશી ઘોષે આરોપ લગાવ્યો છે કે, જે બસ તેમને પકડીને લઈ ગઈ તે પણ તેમને સીધી પોલીસ સ્ટેશન નહતી લઈ ગઈ પરંતુ પોલીસ બસમાં ફેરવતા રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સોમવારે એક બાજુ સંસદમાં શિયાળુ સત્રની શરૂઆત થઈ હતી અને બીજી બાજુ બહાર રસ્તાઓ પર જેએનયુના વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન દિલ્હી પોલીસની વિદ્યાર્થીઓ સાથે અથડામણ થઈ હતી અને તેમાં ઘણાં વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. હવે આ કેસમાં દિલ્હી પોલીસે અજાણ્યા વિદ્યાર્થીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.