શ્રીનગર – જમ્મુ અને કશ્મીર હવે ભારતનું રાજ્ય રહ્યું નથી, પણ ભારત સરકારે એને કેન્દ્રશાસિત પ્રદેશમાં પરિવર્તિત કરી દીધું છે. ત્યાં ગુરુવારે 15 ઓગસ્ટના ભારતના સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવાની તૈયારીઓ તડામાર રીતે ચાલી રહી છે.
જમ્મુ-કશ્મીરના ગવર્નર સત્યપાલ મલિકે તમામ ડેપ્યૂટી કમિશનરોને આદેશ આપ્યો છે કે તેઓ પ્રદેશના પ્રત્યેક ગામના સરપંચને આદેશ આપે કે ગુરુવારે તેઓ સંબંધિત ગ્રામ પંચાયતમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે.
શ્રીનગરમાં યોજાશે ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ
દરમિયાન, કશ્મીર ખીણ વિસ્તારમાં શાંતિ જણાતાં સત્તાવાળાઓએ નિયંત્રણોને તબક્કાવાર હળવા કરવાનું નક્કી કર્યું છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જમ્મુ-કશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં પરિસ્થિતિ રાબેતા મુજબની થાય એ માટે કેન્દ્ર સરકારે વાજબી સમય આપવો જોઈએ. પરિસ્થિતિ સંવેદનશીલ હોવાથી એ રાતોરાત રાબેતા મુજબની થઈ શકશે નહીં.
જમ્મુ-કશ્મીર વહીવટીતંત્ર 12 ઓક્ટોબરથી શ્રીનગરમાં ત્રણ-દિવસીય ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું પણ આયોજન કરવાનું છે. દેખીતી રીતે જ દેશ-વિદેશના ઈન્વેસ્ટરોને જમ્મુ-કશ્મીરમાં ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે આકર્ષિત કરવાનો સરકારનો હેતુ છે. જમ્મુ-કશ્મીરના ઈતિહાસમાં ઈન્વેસ્ટરો માટે આ પહેલી જ વાર વૈશ્વિક શિખર સંમેલન યોજાશે.