પાકિસ્તાનના એફ-16 વિમાનને તોડી પાડનારા વિંગ કમાન્ડર અભિનંદનને વીર ચક્ર…

નવી દિલ્હીઃ સ્વતંત્રતા દિવસ પર દર વર્ષની જેમ વીરતા પુરસ્કારોની જાહેરાત કરી દેવામાં આવી છે. વાયુસેના વિંગ કમાન્ડર અભિનંદનને વર્ધમાન વીર ચક્રથી સન્માનિત કરવામાં આવશે. અભિનંદને બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનના F-16 વિમાનને તોડી પાડ્યું હતું. અભિનંદનને પાકિસ્તાને કેદ કરી લીધા હતા, પરંતુ ભારતના કૂટનીતિક પ્રયાસો બાદ પાકિસ્તાન તેમને છોડવા માટે મજબૂર થયું હતું.

‘વીર ચક્ર’એ યુદ્ધના મેદાનમાં આપવામાં આવતો બહાદુરી એવોર્ડ છે. બહાદુરી માટે આપવામાં આવતો આ ત્રીજો સર્વોચ્ચ એવોર્ડ છે. આ પહેલા ‘પરમ વીર ચક્ર’ અને ‘મહાવીર ચક્ર’ એવોર્ડ આવે છે.

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને 27 ફેબ્રુઆરીના રોજ દેશની બોર્ડરમાં ઘૂસવાનો પ્રયત્ન કરનાર પાકિસ્તાનના લડાકુ વિમાનને ભગાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. અભિનંદને આ દરમિયાન પાકિસ્તાનના એક એફ-16 લડાકુ વિમાનને પણ તોડી પાડ્યું હતું.ભારતીય વાયુ ક્ષેત્રમાં થયેલી આ લડાઇ દરમિયાન અભિનંદન મિગ-21 બાઇસન વિમાન ઉડાવી રહ્યાં હતા. પાકિસ્તાનના વિમાનને ભગાડવામાં તેમનું વિમાન પણ દૂર્ધટનાગ્રસ્ત બન્યું હતું. જો કે, અભિનંદન આ લડાઇ દરમિયાન તેમના પેરાશૂટ સાથે કૂદી ગયા હતા. પરંતુ પેરાશૂટ પાકિસ્તાનની બોર્ડરમાં જઇ પડ્યું હતું. જેના કારણે પાકિસ્તાની સેનાએ તેમને પકડી લીધા હતા.