32-વર્ષે પહેલી વાર શ્રીનગરમાં જન્માષ્ટમીનું સરઘસ નીકળ્યું

શ્રીનગરઃ કશ્મીરી હિન્દુ પંડિતોએ 32 વર્ષો વીતી ગયા બાદ ગઈ કાલે પહેલી જ વાર શ્રીનગરમાં જન્માષ્ટમી તહેવારની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરી હતી. સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે ગઈ કાલે શહેરના મધ્યભાગમાં આવેલા લાલ ચોક ખાતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ પર્વની હિન્દુઓએ ઉજવણી કરી હતી. ’જાનકી યાત્રા’ નામક જન્માષ્ટમીનું સરઘસ શ્રીનગરના જૂના વિસ્તાર હબ્બા કડાલના ગણપતયાર મંદિરમાંથી શરૂ કરાયું હતું અને બાબરશાહ, અમિરકડાલ બ્રિજ, જહાંગીર ચોક, રેસિડેન્સી રોડ તથા અન્ય વિસ્તારોમાંથી પસાર થયું હતું. રૂટ પર ભાવિકો કૃષ્ણના ગીતો-ભજન ગાતાં, કીર્તન કરતાં, નાચતાં આગળ વધતાં જોવા મળ્યાં હતાં. શ્રદ્ધાળુઓમાં તમામ વયનાં લોકો સામેલ હતાં.

સરઘસના રથને ફૂલોથી શણગારવામાં આવ્યો હતો. કશ્મીરના તમામ સમાજોએ આ સરઘસ પ્રતિ ભાઈચારાની ભાવના દર્શાવી હતી અને જાનકી યાત્રાનું શાંતિપૂર્ણ અને સરળ રીતે સમાપન થયું હતું. જમ્મુ અને કશ્મીરને 2019માં કેન્દ્રશાસિત પ્રદેશ ઘોષિત કરાયો હતો. ગયા વર્ષે કોરોનાવાઈરસની બીમારી ફેલાઈ હોવાને કારણે જન્માષ્ટમીની ઉજવણી રદ કરાઈ હતી, પરંતુ આ વર્ષે રોગચાળાનું પ્રમાણ ઘટી જતાં સરઘસ કાઢવાની પરવાનગી અપાઈ હતી.