જમ્મૂ-કાશ્મીરઃ જમ્મૂ-કાશ્મીરના બડગામના અરિજલ ખાનસેબમાં આંકી ઠેકાણાઓનો ભાંડો ફૂટ્યો છે. લશ્કર-એ-તૈયબાના ટોપ ઓવર ગ્રાઉન્ડ વર્કર જહૂર વાનીની સુરક્ષાદળોએ ધરપકડ કરી છે. તેની પાસેથી હથિયાર અને ગોળા-બારુદ મળી આવ્યા છે. સુરંગ બનાવીને આતંકીઓ ઘુસ્યા હોવાની વિગતો મળી રહી છે. આની સૂચના મળ્યા બાદ સુરક્ષા દળોએ જેસીબી મશીનથી ખોદકામ શરુ કર્યું છે.
સુરક્ષા દળોએ આ પ્રકારના દસ આતંકીઓનું લિસ્ટ તૈયાર કર્યું છે. જેમાં હિજબુલ મુજાહિદ્દીનના નવા ચીફ કમાન્ડર ગાજી હૈદરનું નામ ટોપ પર છે. સુરક્ષા દળોના લિસ્ટમાં આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીન, જૈશ-એ-મહોમ્મદ અને લશ્કર એ તૈયબાના એ આતંકીઓના નામનો સમાવેશ થાય છે કે જે હવે મોસ્ટ વોન્ટેડ છે. ભારતીય સુરક્ષા દળો આ આતંકીઓનો સફાયો કરવા માટેનું કામ કરી રહ્યા છે.
જમ્મૂ-કાશ્મીરના પુલવામા અને બડગામ જિલ્લામાં આતંકીઓના ઠેકાણાઓ વિશે માહિતી મળી છે. સાથે જ લશ્કરનો એક સહયોગી પણ પકડાયો છે. લસીપોરા ગામમાં આતંકીઓના ઠેકાણાની સૂચના મળ્યા બાદ સુરક્ષા દળોએ કાર્યવાહી શરુ કરી હતી. આ ગામને સુરક્ષા દળોએ ચારેય બાજુથી ઘેરીને કાર્યવાહી શરુ કરી છે.
લશ્કરનો જે સહયોગી પકડાયો છે, તે લશ્કરના આતંકી યૂસુફનો નજીકનો છે. આ આતંકી ઠેકાણું તેના ઘરથી આશરે 200-300 મીટર દૂર હતું. તે આતંકી યૂસુફની ટીમને ટ્રાંસપોર્ટેશન, છૂપાવાની જગ્યા અને અન્ય સામાન પહોંચાડતો હતો. યૂસુફ બડગામ અને બારામૂલામાં સક્રિય છે.