નવી દિલ્હીઃ આરક્ષણને લઈને સવાઈ માધોપુરના મલારના ડુંગરમાં રેલવે ટ્રેક પર જમા થયેલા ગુર્જર સમાજના આંદોલનકારીઓના કારણે ઉત્તર પશ્ચિમી રેલવેની ઘણી ટ્રેનો પ્રભાવિત થઈ છે. દિલ્હી-મુંબઈ રેલવે ટ્રેક પર આંદોલનકારીઓ ત્યાં વિરોધ માટે બેસી ગયાં હોવાથી માર્ગ પરિવર્તિત કરવામાં આવ્યો છે. આનાથી રેલવેના સમયમાં ગડબડ થઈ છે.
શુક્રવારે સાંજના સમયે આંદોલનકારીઓ રેલવે ટ્રેક પર આવી ગયા બાદ આજે સવાર સુધી NWR પ્રશાસન ટ્રેનોની સૂચનાને લઈને 8 બુલેટિન જાહેર કરી ચૂક્યું છે. આમાંથી 6 જેટલા બુલેટિન શુક્રવારના રોજ જાહેર કરવામાં આવ્યા છે. તો આજે સવારે 10 વાગ્યા સુધી NWR દ્વારા બે બુલેટિન જાહેર કરવામાં આવ્યા છે.
NWR દ્વારા ગુર્જર આરક્ષણને લઈને આજે સવારે 10 વાગ્યે જાહેર કરવામાં આવેલા બુલેટિન અનુસાર ટ્રેન નંબર 19062 રામનગર-બાંદ્રા ટર્મિનસનો રુટ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. હવે આ ટ્રેન ભરતપુર, બાંદીકુઈ, અજમેર, ચંદેરિયા, અને રતલામ થઈને જશે. તો ટ્રેન નંબર 12964 ઉદયપુર સિટી-હજરત નિઝામુદ્દીનનો પણ રુટ
બદલવામાં આવ્યો છે. આ ટ્રેન હવે ચિત્તોડ, જયપુર, અજમેર, બાંદીકુઈ અને રેવાડી થઈને નિકળશે.
આ પહેલાં શુક્રવારે પણ ઘણી ટ્રેનના રુટને બદલવામાં આવ્યાં હતાં. જેમાં મુંબઈ સેન્ટ્રલ-અમૃતસર, અજમેર જંક્શન-રાંચી, હજરત નિઝામુદ્દીન અમદાવાદ, ફિરોઝપુર કૈંટ મુંબઈ, અમદાવાદ-વૈષ્ણોદેવી કટરા, હજરત નિઝામુદ્દીન-ઉદયપુર અને પટણા-અમદાવાદનો માર્ગ પરિવર્તિત કરવામાં આવ્યો હતો. તો બે ટ્રેનોને આંશિક રુપે રદ કરવામાં આવી હતી. આમાં જયપુર-બયાનાને સવાઈમાધોપુરમાં તેમજ બયાના-જયપુરને બયાનામાં રદ કરવામાં આવી.