ઉત્તર સિક્કિમમાં પૂરમાં ફસાયેલા 56 જણને ITBP જવાનોએ બચાવ્યા

ગેંગટોકઃ સિક્કિમ રાજ્યના ઉત્તરીય ભાગના ચુંગથાંગમાં આવેલા ભયાનક પૂરમાં ફસાઈ ગયેલા 56 જણને ઉગારવામાં ઈન્ડો-તિબેટન બોર્ડર પોલીસ જવાનોને આજે સફળતા મળી છે. આમાં ચાર મહિલાનો સમાવેશ થાય છે. અન્ય લાપતા લોકોને શોધવાના પ્રયાસો ચાલુ છે.

આઈટીબીપી રેસ્ક્યૂ ટીમના જવાનોએ રોપવેની મદદથી 56 જણને ઉગારી લીધાં છે. હજી બીજાં 81 જણ લાપતા છે. ગયા બુધવારની વહેલી સવારે વાદળ ફાટવાથી આવેલા ઓચિંતા પૂર બાદ 30 મૃતદેહ મળ્યા છે. હિમાલય પર્વતમાળા વચ્ચે આવેલા સિક્કિમ રાજ્યના ચાર જિલ્લામાં વસતાં 41,870 લોકોને આ પૂરની આફતથી માઠી અસર પહોંચી છે. સૌથી વધારે ખરાબ અસર માંગન જિલ્લામાં થઈ છે. અન્ય ત્રણ જિલ્લા છે, ગેંગટોક, પાકયોંગ અને નામચી. પાકયોંગમાં 19 જણનાં મરણ નોંધાયા છે જ્યારે ગેંગટોકમાં છ, માંગનમાં ચાર અને નામચીમાં એક જણના મરણનો અહેવાલ છે.