PSLV-C52 રોકેટનું અવકાશગમન સફળ રહ્યું: ‘ઈસરો’ની સિદ્ધિ

ચેન્નાઈઃ ભારતની અવકાશ સંશોધન સંસ્થા – ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)નાં વૈજ્ઞાનિકોએ હાથ ધરેલું વર્ષ 2022નું પહેલું મિશન આજે સફળ રહ્યું છે. દેશના અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ EOS-04 તથા અન્ય બે નાના સેટેલાઈટને લઈને PSLV-C52 રોકેટે આજે વહેલી સવારે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતિષ ધવન સ્પેસ સેન્ટર ખાતે દેશના રોકેટ પોર્ટના લોન્ચ પેડ પરથી સફળતાપૂર્વક અવકાશ ભણી ઉડ્ડયન કર્યું હતું. ત્યારબાદ 18 મિનિટના નિર્ધારિત સમયમાં રોકેટે ત્રણેય કૃત્રિમ ઉપગ્રહોને ભ્રમણ કક્ષામાં મૂકી દીધા હતા.

ઈસરો સંસ્થાએ આને અદ્દભુત સિદ્ધિ તરીકે ઓળખાવી છે. રોકેટ PSLV-C52ને આજે સવારે 5.59 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું. એ ધડાકાભેર આગની જ્વાળાઓ નીચે તરફ છોડતું અને અવકાશ ભણી રવાના થયું હતું. 19 મિનિટ બાદ રોકેટમાંથી ત્રણેય સેટેલાઈટ છૂટા પડ્યા હતા અને ભ્રમણ કક્ષામાં નિર્ધારિત જગ્યાએ મૂકાયા હતા.

એ ઘટનાઓને ઈસરોમાંના વૈજ્ઞાનિકોએ આનંદની ચિચિયારીઓ પાડીને વધાવી લીધી હતી, જેઓ આ મિશન પર બારીકાઈથી દેખરેખ રાખી રહ્યાં હતાં. બાદમાં, ઈસરોએ એક ટ્વીટમાં લખ્યું હતું કે, EOS-04 સેટેલાઈટને આજે સવારે 6.17 વાગ્યે સૂર્યની સિન્ક્રોનસ ઓર્બિટમાં સફળતાપૂર્વક મૂકી દેવામાં આવ્યું છે. હવે આ સેટેલાઈટ આવતા 10 વર્ષ સુધી ઈસરોનાં વૈજ્ઞાનિકોને દરેક મોસમમાં પૃથ્વી પર વાતાવરણને લગતી ઉચ્ચ ગુણવત્તાવાળી તસવીરો મોકલતો રહેશે. પીએસએલવી વર્ગના રોકેટનું આ 54મું ઉડ્ડયન હતું.