આયુર્વેદિક-સારવારથી કેન્યાના EX-PMની પુત્રી ફરી દેખતી થઈ

નવી દિલ્હી: કેન્યા દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન રાયલા ઓડિંગા હાલ ભારત આવ્યા છે. એમની દીકરીને આંખોની તકલીફ ઊભી થતાં એને કંઈ દેખાતું નહોતું. એને ભારતની પારંપારિક આયુર્વેદિક પદ્ધતિથી સારવાર અપાવવા તેઓ કેરળના કોચીમાં આવ્યા છે. ત્યાંના કેન્દ્રમાં ત્રણ અઠવાડિયા સુધીની આયુર્વેદિક ઉપચારથી દીકરી સાજી થયાંનો, એની આંખોની રોશનીમાં ઘણો સુધારો થયાનો એમણે દાવો કર્યો છે. દીકરીને આંખોની રોશની ફરી પ્રાપ્ત થવાથી ઓડિંગા ખૂબ જ પ્રભાવિત થયા છે અને આ પદ્ધતિને કેન્યા સહિત આફ્રિકામાં શરૂ કરાવવાનું એમણે નક્કી કર્યું છે. એમણે કહ્યું છે કે મારા કુટુંબ માટે આ મોટા સુખની પ્રાપ્તિ થઈ છે. મારી દીકરી હવે બીજાંઓની જેમ બધું જોઈ શકે છે. પરંપરાગત આયુર્વેદિક દવાઓથી એને દ્રષ્ટિ ફરી મળી છે. મને એનાથી ઘણો આત્મવિશ્વાસ પ્રાપ્ત થયો છે. મેં વડા પ્રધાન મોદીને મળીને આ વિશે ચર્ચા કરી છે. હું આ આયુર્વેદિક પદ્ધતિ આફ્રિકામાં લઈ જઈશ અને ત્યાં દેશી વનસ્પતિઓના ઉપયોગથી દર્દીઓને સારવાર અપાવીશ.

ઓડિંગા આજે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. બંને નેતાએ ભારત-કેન્યા વચ્ચેના સંબંધોને વધારે મજબૂત કરવાનો નિશ્ચય વ્યક્ત કર્યો હતો. મોદી અને ઓડિંગા એક દાયકા કરતાંય વધારે સમયથી મિત્રતા ધરાવે છે. સાડા ત્રણ વર્ષ બાદ ઓડિંગાને ફરી મળવાનું થયું એ બદલ મોદીએ ખુશી વ્યક્ત કરી છે. 2008ની સાલથી આ બંને નેતા ઘણી વાર એકબીજાની મુલાકાત લઈ ચૂક્યા છે. ઓડિંગાએ 2009 અને 2012માં જ્યારે મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે વાઈબ્રન્ટ ગુજરાત સમિટને સમર્થન આપ્યું હતું.