ઇસરો યુરોપીય અંતરિક્ષ એજન્સીના PROBA-3નું પ્રક્ષેપણ કરશે

નવી દિલ્હીઃ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) PSLV-C59 રોકેટ યુરોપિયન સ્પેસ એજન્સી (ESA)ના પ્રોબા-3 સ્પેસક્રાફ્ટને લઈને ઉડાન ભરશે. આ સ્પેક્રાફ્ટ ચોથી ડિસેમ્બરે સાંજે 4.08 વાગ્યે ઉડાન ભરશે. એને શ્રીહરિકોટાથી નવા લોન્ચપેડથી લોન્ચ કરવામાં આવશે.

ઇસરોનું આ રોકેટ PROBA-3 મિશન સૂર્યના કોરોનાનો અભ્યાસ કરશે. ESA અનુસાર ‘PROBA-3’ મિશન સૂર્યના વાતાવરણના સૌથી બહારના અને સૌથી ગરમ સ્તરનો અભ્યાસ કરશે. ઈસરો પહેલેથી જ બે તપાસ મિશન લોન્ચ કરી ચૂક્યું છે. પહેલું 2001માં PROBA-1 અને બીજું PROBA-2 મિશન 2009 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ઈસરો બંને મિશનમાં સફળ રહ્યું હતું.PROBA-3 મિશન બે મુખ્ય અવકાશ યાનથી લોન્ચ કરવામાં આવશે. પ્રથમ ઓક્યુલ્ટર છે, તેનું વજન 200 કિલો છે. બીજું અવકાશયાન કોરોનાગ્રાફ છે, જેનું વજન 340 કિલો છે. લોન્ચ કર્યા બાદ બંને સેટેલાઈટ અલગ થઈ જશે. આને પછીથી સૌર કોરોનોગ્રાફ બનાવવા માટે એકસાથે મૂકવામાં આવશે. તે સૂર્યના કોરોનાનો વિગતવાર અભ્યાસ કરશે. ઉલ્લેખનીય છે કે સૂર્યના બાહ્ય વાતાવરણને સૂર્યનો કોરોના કહેવામાં આવે છે.

પ્રોબા-3 મિશન શું છે?

PROBA-3 મિશન યુરોપના કેટલાક દેશોનો પાર્ટનરશિપ પ્રોજેક્ટ છે. આ દેશોના જૂથમાં સ્પેન, પોલેન્ડ, બેલ્જિયમ, ઇટાલી અને સ્વિટ્ઝર્લેન્ડનો સમાવેશ થાય છે. આ મિશનનો કુલ ખર્ચ અંદાજે 200 મિલિયન યુરો હોવાનો અંદાજ છે. પ્રોબા-3 મિશન બે વર્ષ સુધી ચાલશે. આ મિશનની ખાસ વાત એ છે કે તેના દ્વારા પ્રથમ વખત અવકાશમાં ‘પ્રિસિઝન ફોર્મેશન ફ્લાઈંગ’નું પરીક્ષણ કરવામાં આવશે. આ અંતર્ગત બે સેટેલાઇટ એકસાથે ઉડાન ભરશે. આ સેટેલાઈટ સતત એક જ ફિક્સ કોન્ફિગરેશન મેઇનટેઇન રાખશે.