નવી દિલ્હી- અંતરિક્ષમાં વૈશ્વિક સ્તરે ભારતનો ડંકો વગાડનાર ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) દેશ માટે સુરક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબજ મહત્વની કામગીરી કરી રહ્યું છે. ભારતનો સરહદે સર્જાયેલા તણાવ વચ્ચે પાકિસ્તાનની એકએક ગતિવિધિ પર ઈસરોની બાજનજર છે. ભારત પોતાની અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી પાકિસ્તાનના 87 ટકા વિસ્તાર પર નજર રાખવાની સાથે HD ક્વોલિટીમાં મેપિંગ પણ કરે છે. જે બાલાકોટ એર સ્ટ્રાઈક જેવા ઓપરેશન માટે સુરક્ષાદળોને મહત્વના ઈનપુટ પૂરા પાડે છે.
ભારતીય સેટેલાઈટસ પાકિસ્તાનના કુલ 8.8 લાખ વર્ગ કિલોમીટરના વિસ્તારમાંથી 7.7 લાખ વર્ગ કિલોમીટર વિસ્તાર પર નજર રાખવામાં સક્ષમ છે. જે ભારતીય કમાન્ડર્સને 0.65 મીટર સુધીની એચડી તસવીરો પુરી પાડે છે.
આપણા સેટેલાઈટ્સ 14 દેશોના કુલ 55 લાખ સ્કવેર કિલોમીટરના વિસ્તારને મેપ કરી શકે છે. એટલે ભારતની આ ક્ષમતા અન્ય દેશોને પણ મદદરૂપ થઈ શકે છે. જો કે હાલ ચીન અંગે કોઈ માહિતી નથી.
17 જાન્યુઆરીએ સ્પેસ રાજ્યપ્રધાન ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે ભારત પાકિસ્તાની ઘરોમાં ડોકીયું કરી ત્યાંની હિલચાલ જાણી શકે છે. આ કોઈ મજાક નથી. વધુમાં કહ્યું કે, ઈન્ટિગ્રેટેડ બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમની મદદથી ભારત, પાકિસ્તાનના ઘરો અને અન્ય હલચલને જોવામાં સક્ષમ છે.
ઈસરોના કાર્ટોસેટ સિરીઝના સેટેલાઈટ્સ, જીએસટ-7 અને જીસેટ-સાત એ, આઈઆરએનએસેસ, રિસેટ અને HysIS સુરક્ષાદળોની મદદમાં તહેનાત છે. અંદાજે 10થી વધુ ઓપરેશનલ સેટેલાઈટસનો સેના ઉપયોગ કરી રહી છે. મહત્વનું છે કે, સપ્ટેમ્બર 2016માં એલઓસી પર કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકમાં કાર્ટોસેટની મદદ લેવામાં આવી હતી.