અભિનંદન વર્તમાન આજે બપોરે પાકિસ્તાનમાંથી મુક્ત થશે; માતા-પિતા એમને લેવા માટે સરહદે ગયાં છે

નવી દિલ્હી – પાકિસ્તાનમાં સક્રિય ભારત-વિરોધી ત્રાસવાદીઓ સામે ભારતીય હવાઈ દળે કરેલી કાર્યવાહી દરમિયાન પાકિસ્તાનમાં ફસાઈ ગયેલા પાઈલટ વિન્ગ કમાન્ડર અભિનંદન વર્તમાનને પાકિસ્તાન સરકાર આજે છોડી મૂકશે. અભિનંદનને કોઈ પણ પ્રકારની શરત વગર છોડી મૂકવાની ભારત સરકારે આપેલી ચેતવણી તથા અન્ય દેશોએ કરેલા દબાણને પગલે પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને અભિનંદનને મુક્ત કરવાની ગઈ કાલે સંસદમાં જાહેરાત કરી હતી.

ચેન્નાઈનિવાસી પાઈલટ અભિનંદનને આજે બપોરે મુક્ત કરવામાં આવશે. બપોરે લગભગ બે વાગ્યે તેઓ ઈસ્લામાબાદથી વાઘા સરહદે આવી પહોંચે એવી ધારણા છે. વાઘા સરહદ પર એમને આવકારવા માટે જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે.

અભિનંદનના માતા-પિતા પણ સરહદે જવા રવાના થઈ ગયાં છે. અભિનંદનના પિતા ભારતીય હવાઈ દળના નિવૃત્ત એર માર્શલ છે. તેઓ ગઈ કાલે ચેન્નાઈથી દિલ્હી જવા રવાના થયા હતા. આજે તેઓ દિલ્હીથી અમૃતસર જશે. ફ્લાઈટમાં તેઓ આવી પહોંચ્યા ત્યારે સહ-પ્રવાસીઓએ એમનુું હર્ષનાદો અને તાળીઓનાં ગડગડાટ સાથે એમનું સ્વાગત કર્યું હતું.

પાકિસ્તાનના યુદ્ધવિમાન F-16ને ભારતમાંથી ભગાડવા જતાં પાઈલટ અભિનંદન એમના વિમાન સાથે પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરમાં જતા રહ્યા હતા અને ત્યાં ફસાઈ ગયા હતા. ત્યાં પાકિસ્તાની ગામવાસીઓને માલુમ પડ્યું કે અભિનંદન ભારતીય સૈનિક છે ત્યારે એમની મારપીટ કરી હતી, પણ એમના હાથમાંથી બચવામાં સફળ થયેલા અભિનંદનને પાકિસ્તાની સૈનિકોએ બચાવી લીધા હતા અને એમના તાબામાં લીધા હતા. એ દરમિયાન અભિનંદનને ભારતમાં લાપતા જાહેર કરાયા હતા અને એમની શોધખોળ શરૂ કરાઈ હતી. અચાનક અભિનંદન વિશેની તસવીરો અને વિડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયા હતા. એ સાથે જ અભિનંદનને સુખરૂપ છોડી મૂકવાનાં પ્રયાસો અને દબાણ ભારત સરકારે પાકિસ્તાન પર શરૂ કરી દીધા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]