શ્રાવણ માસમાં ટ્રેનોમાં કાંદા-લસણ વગરનું ભોજન પીરસાશે? ઈન્ટરનેટ પર ખોટા સમાચાર વાઈરલ

મુંબઈઃ ભારતીય રેલવેની પેટા-કંપની ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) દેશમાં લાંબા અંતરની ટ્રેનોમાં પ્રવાસ કરતાં લોકોની આહાર રુચિને કાયમ ધ્યાનમાં રાખીને એમને ભોજન અને ખાદ્યપદાર્થો પીરસે છે, પરંતુ હાલમાં એક એવો અહેવાલ ઈન્ટરનેટ પર ફરી રહ્યો  છે જેને કારણે જુલાઈ અને ઓગસ્ટ મહિનાઓમાં ટ્રેનોમાં પ્રવાસ કરનારાઓમાં ચિંતા પ્રસરી છે.

ઉત્તર ભારતીયોની પરંપરા અનુસાર અધિક માસ (પુરુષોત્તમ મહિનો) ગઈ 4 જુલાઈથી શરૂ થઈ ગયો છે અને તે પૂરો થયા બાદ શ્રાવણ (સાવન) મહિનો શરૂ થશે. હવે એવા ઘણા સમાચાર અને સોશિયલ મિડિયાની પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે IRCTC કંપનીએ શ્રાવણ માસ દરમિયાન ટ્રેનોમાં માત્ર શાકાહારી ભોજન જ પીરસવાનું નક્કી કર્યું છે. તે શ્રાવણ મહિનાને કારણે 4 જુલાઈથી લઈને 31 ઓગસ્ટ સુધી માત્ર શાકાહારી અને તે પણ કાંદા-લસણ વગરનું ભોજન જ પીરસશે.

જોકે આ અહેવાલો અને સમાચારો ખોટા છે.

IRCTC કંપનીએ પણ આ સમાચારને ખોટા ગણાવ્યા છે. એએનઆઈ સમાચાર સંસ્થાના એક અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે શ્રાવણ માસ દરમિયાન ટ્રેનોમાં માત્ર શાકાહારી ભોજન જ પીરસવામાં આવશે. જોકે બાદમાં સમાચાર સંસ્થાએ એવો ખુલાસો કર્યો હતો કે આ જાહેરાત માત્ર બિહારમાં ભાગલપુર જિલ્લા પૂરતી જ સીમિત છે.

IRCTC કંપનીએ સ્પષ્ટતા કરી છે કે, તેણે આ પ્રકારની કોઈ સૂચના બહાર પાડી નથી. ટ્રેનોમાં પ્રવાસીઓને મંજૂર કરાયેલા તમામ ખાદ્યપદાર્થો ઉપલબ્ધ કરવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ વખતે અધિક માસ (પુરુષોત્તમ મહિનો) પણ હોવાથી શ્રાવણ માસ કુલ બે મહિનાનો રહેશે. ગુજરાતી કેલેન્ડર અનુસાર, અધિક મહિનો 18 જુલાઈથી શરૂ થશે અને 16 ઓગસ્ટ સુધી ચાલશે. શ્રાવણ મહિનો 17 ઓગસ્ટથી શરૂ થશે અને 15 સપ્ટેમ્બર સુધી ચાલશે.