નવી દિલ્હીઃ આમ જનતાના ખિસ્સા પર મોંઘવારીનો માર પડ્યો છે. પેટ્રોલિયમ કંપનીઓએ મહિનાના પ્રારંભે રાંધણગેસની કિંમતો રૂ. 25નો વધારો કર્યો છે, જ્યારે 19 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં રૂ. 75નો વધારો થયો છે. આ વધારા પછી દિલ્હીમાં ઘરેલુ 14.2 કિલો LPG સિલિન્ડરની કિંમતે રૂ. 884.5એ પહોંચી છે. જ્યારે 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત રૂ. 1693 થઈ છે. ઓઇલ કંપનીઓ પ્રતિ મહિને પહેલી અને 15 તારીખે રાંધણગેસની કિંમતોની સમીક્ષા કરે છે. આ પહેલાં પહેલી જુલાઈએ ઓઇલ કંપનીઓએ રાંધણગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ. 25નો વધારો કર્યો હતો.
છેલ્લા 15 દિવસમાં બિનસબસિડીવાળા LPG સિલિન્ડરની કિંમતમાં રૂ. 50નો વધારો થયો છે. પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસની સતત વધતી કિંમતોને કારણે કેન્દ્ર સરકારે ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે, પણ સરકારનું કહેવું છે કે એ બધું આંતરરાષ્ટ્રીય ક્રૂડની કિંમત પર નિર્ભર છે. સરકારે સતત ગેસની કિંમતોમાં સબસિડી ખતમ કરવાના પ્રયાસ કર્યા છે.