નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે. હવે 26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. દિલ્હી કોંગ્રેસની અંદર આંતરકલહ વધતો જઈ રહ્યો છે. દિલ્હીમાં 26 એપ્રિલે મતદાન છે. અહીં લોકસભાની કુલ સાત સીટો છે. કોંગ્રેસનું આમ આદમી પાર્ટીની સાથે ગઠબંધન છે.
આ ગઠબંધન હેઠળ ચાર સીટો પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે અને ત્રણ સીટો પર કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લડી રહી છે, પણ આપસી ખેંચતાણ અને વિરોધને કારણે પાર્ટીનો ચૂંટણીપ્રચાર ફિક્કો છે. પાર્ટીની અંદરના મતભેદ પણ ખૂલીને સામે આવી રહ્યા છે. એનાથી ભાજપથી મુકાબલો ઘણો કઠિન લાગી રહ્યો છે.
દિલ્હીની ઉત્તર-પૂર્વ સીટ પર કોંગ્રેસે કન્હૈયાકુમારને ટિકિટ આપી છે. તેમનો મુકાબલો ભાજપના મનોજ તિવારી સામે છે. હાલમાં પાર્ટીના દિલ્હી એકમે કન્હૈયાકુમારની ઉમેદવારીને લઈને ભૂતપૂર્વ વિધાનસભ્યો અને પદાધિકારીની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ખૂબ ચડસાચડસી થઈ હતી. સૂત્રોના જણાવ્યાનુસાર અપશબ્દોનો પણ પ્રયોગ થયો હતો. એવી ચર્ચા છે કે કન્હૈયાકુમારની ઉમેદવારીથી જૂના નેતા અને કાર્યકર્તાઓ નારાજ છે. ચર્ચા એ પણ છે કે આમ આદમી પાર્ચટીની સાથે ગઠબંધનથી પણ તેઓ નારાજ છે.
દિલ્હીમાં શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિત પણ પહોંચ્યા હતા, પણ તેઓ ભૂતપૂર્વ વિધાનસભ્યો અને પદાધિકારીઓની વચ્ચે જઈને બેઠા હતા. જ્યારે અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ તેમને મંચ પર બોલાવ્યા તો તેમણે ના પાડી દીધી. ખુદ કન્હૈયાકુમારે પણ તેમને મંચ પર આમંત્રણ આપ્યું હતું. ત્યારે તેઓ ગુસ્સે થયા હતા અને કન્હૈયાકુમારની ઉમેદવારી પર વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કન્હૈયાકુમારની ઉમેદવારીથી કોંગ્રેસને ઉત્તર-પૂર્વની સાથે દિલ્હીની અન્ય સીટો પર પણ ઘણું નુકસાન થવાનું છે.