નવી દિલ્હીઃ ભારતનું ઋતુ ચક્ર અનોખું છે અને કારણે જ ભારત વિશ્વમાં વખણાય પણ છે. ચોમાસાની જો વાત કરવામાં આવે તો ચોમાસાની પણ એક સિસ્ટમ છે. દક્ષિણમાં કેરળથી મેઘરાજા દેશમાં પ્રવેશ કરે છે અને થોડા જ દિવસમાં આખો દેશ વરસાદથી ભીંજાઈ જાય છે. જો કે ભારતના ચોમાસા પર અનેક પરિબળો અસર કરે છે. આમાં પણ અલ નિનોની મહત્વની ભૂમિકા છે. પેસેફિક સમુદ્રની સપાટીનું તાપમાન જ્યારે વધે ત્યારે અલગ નિનોની સ્થિતિ સર્જાય છે. અને આ સ્થિતિના કારણે ભારતમાં ચોમાસું નબળું પડે છે. ત્યારે રાહતની વાત એ છે કે એકાદ બે મહિનામાં અલ નિનોની અસર ખતમ થતાં ભારતમાં ચોમાસુ જોર પકડશે. અમેરિકાની હવામાન એજન્સીઓએ આ આગાહી કરી છે.
જ્યારે પેસિફિક સમુદ્રની સપાટીનું તાપમાન વધે ત્યારે ભારતમાં ચોમાસુ નબળુ પડે છે. ભારતના હવામાન ખાતાના અધિકારીઓએ જણાવ્યું કે જૂન મહિનામાં અલ નિનોની સ્પષ્ટ અસર ચોમાસા પર વર્તાઈ હતી. એટલે જ આ વર્ષે જૂનમાં 33 ટકા ઓછો વરસાદ પડ્યો છે. ગયા મહિને આગાહી હતી કે નબળુ પડેલુ અલ નિનો સપ્ટેમ્બર અંત સુધી દેશમાં ચોમાસાને અસર કરશે. જો કે ક્લાઈમેટ પ્રેડિક્શન સેન્ટર (સીપીસી) અને યુએસની બીજી રાષ્ટ્રીય એજન્સીઓના લેટેસ્ટ અપડેટ મુજબ છેલ્લા એક મહિનામાં અલ નિનો નાટકીય રીતે નબળુ પડી ગયુ છે. અપડેટમાં જણાવાયુ છે, “આગામી એક બે મહિનામાં પરિસ્થિતિ અલ નિનોથી એન્સો-ન્યુટ્રલમાં પરિવર્તિત થશે. આ સ્થિતિ શિયાળા સુધી પ્રવર્તતશે.”
IMD (ભારતીય હવામાન ખાતુ)ના અધિકારીઓએ જણઆવ્યું કે ચોમાસા પર અલ નિનોની અસર ખતમ થઈ રહી છે. IMDના ચોમાસાની આગાહીના હેડ ડી.શિવાનંદ પઈએ જણાવ્યું, “આ ચોમાસા માટે સારા સમાચાર છે. અલ નિનોની અસર એકદમ ખતમ નહિ થાય પણ હવેથી નબળી પડતી જશે.” જો કે આ કારણે આ વર્ષે બહુ સારા ચોમાસાની ખાતરી નથી પણ તેનો અર્થ એવો ચોક્કસ થાય કે વૈશ્વિક પરિસ્થિતિ ભારતમાં સારા વરસાદને અટકાવી શકશે નહિ.જુનથી જુલાઈ વચ્ચે અલ નિનોની સ્થિતિમાં જે ફેરફાર થયો છે તે નાટકીય છે.
સીપીસીના જૂનના આઉટલૂકમાં અલ નિનો જૂન-ઓગસ્ટ વચ્ચે ચાલુ રહે તેવી 66 ટકા અને ત્યાર પછી ચાલુ રહે તેવી 50-55 ટકા શક્યતા હતી. તેનાથી વિરુદ્ધ જુલાઈમાં આગાહી છે કે જુલાઈથી સપટેમ્બરમાં અલ નિનોની અસર ન્યુટ્રલ થઈ જાય તેવા 60 ટકા ચાન્સ છે. ઓસ્ટ્રેલિયાના હવામાન ખાતાએ પણ અલ નિનો નિષ્ક્રિય થયું હોવાની જાણ કરી હતી.
ભારતમાં જુલાઈ મહિનામાં ચોમાસુ સાધારણ કરતા 22 ટકા સારુ રહ્યું છે. 1 જૂનથી વરસાદની ઘટ 33 ટકાથી ઘટીને 12 ટકા થઈ ગઈ છે. જો કે આખા દેશમાં અને ખાસ કરીને મધ્ય તથા ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં વરસાદ આવનારા ત્રણ-ચાર દિવસમાં ઓછો થાય તેવી શક્યતા છે. દક્ષિણ ભારતમાં આ ગાળામાં સારા વરસાદની આગાહી છે.જુલાઈ મહિનામાં વરસાદને કારણે ખરીફ પાકના વાવેતરને પ્રોત્સાહન મળ્યું હતું.
શુક્રવારે કૃષિ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ ખરીફ પાકનું વાવેતર સાધારણ કરતા 7.5 ટકા ઓછુ હતુ. અગાઉ આ આંકડો 27 ટકા જેટલો હતો, જે પરિસ્થિતિમાં સુધારો દર્શાવે છે. ડાંગરના વાવેતરમાં પણ પહેલા 34 ટકાનો ઘટાડો હતો જે હવે 19 ટકા થઈ ગયો છે. કઠોળના વાવેતરમાં અગાઉ 71 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો તેમાં પણ મોટો સુધારો થયો છે અને હવે આ ઘટ 30 ટકા જેટલી છે. તેલિબિયા અને અનાજના પાકમાં પણ સુધારો જોવા મળ્યો છે. જો કે સાધારણ વાવણી કરતા આ વખતે ઓછી વાવણી થઈ છે.