મુંબઈ તા. 21 નવેમ્બર, 2022: સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ (સીડીએસએલ)ની સિસ્ટમ્સ પર્યાપ્ત ચેક્સ અને વેલિડેશન્સ બાદ પુનઃ લાઈવ કરવામાં આવી છે.
અન્ય માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્સ્ટિટ્યૂશન્સ (એમઆઈઆઈએસ)ના સંકલનમાં વેપાર દિવસ શુક્રવાર, 18 નવેમ્બર, 2022ના બાકી રહેલા કામકાજને સફળતાપૂર્વક પૂરું કરવામાં આવ્યું છે, એમ સીડીએસએલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
અહીં એ નોંધીએ કે શુક્રવારે દેશની આ સૌથી મોટી ડિપોઝિટરી પર સાઈબર એટેક થયો હતો તેને પગલે તેની કામગીરીને અસર થઈ હતી. સીડીએસએલની સિસ્ટમ ફેઈલ થઈ જવાથી પે-ઈન, પે-આઉટ, માર્જિન માટે પ્લેજ અથવા અનપ્લેજની કામગીરી સાઈબર એટેકને પગલે થઈ શકી નહોતી, એમ બ્રોકરોએ કહ્યું હતું.
સીડીએસએલએ જાહેર કર્યું હતું કે તેનાં કેટલાંક મશીન્સ પર માલવેર મળી આવતાં સિસ્ટમ્સને તત્કાળ ડિસ્કનેક્ટ કરવામાં આવી હતી.
સંબંધિત સત્તાવાળાઓને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી અને સાઈબર સિક્યુરિટી સલાહકારો સાથે મળીને સમસ્યાનો નિકાલ લાવવામાં આવ્યો હતો.