નવી દિલ્હીઃ દેશભરમાં ભારે વરસાદથી જીવન અસ્તવ્યસ્ત છે. નદીઓનું જળસ્તર સતત વધવાથી ઘણાં વિસ્તારોમાં પૂરનો ખતરો ઝળૂંબી રહ્યો છે. પૂર્વોત્તરના રાજ્ય અસમમાં સતત વરસાદના કારણે બ્રહ્મપુત્ર નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. પૂરનું પાણી રાજ્યના ઘણા મંદિરોમાં પ્રવેશી ચૂક્યું છે.
ગુવાહાટી સ્થિત ચક્રેશ્વર મંદિરની ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની ક્ષીરસાગર વાળી પ્રતિમા પણ વરસાદના પાણીમાં થોડી ડૂબેલી દેખાઈ. જો કે હવામાન વિભાગે આપેલા પૂર્વાનુમાન અનુસાર, આવનારા બે સપ્તાહમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થવાના અણસાર છે.
માત્ર અસમ જ નહી પરંતુ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને લઈને નદીઓએ રૌદ્ર સ્વરુપ ધારણ કરી લીધું છે. તો મેઘાલયમાં વરસી રહેલા મૂશળધાર વરસાદથી ઘણી જગ્યાઓ પર અચાનક પૂર આવી ગયું છે. સાથે જ રાજ્યમાં ભૂસ્ખલનની ઘટનાઓ પણ થઈ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રધાન કિરમેન શાયલાએ જણાવ્યું કે ક્ષેત્રિય હવામાન વિભાગે આવતા બે-ત્રણ સપ્તાહમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.
છેલ્લા 24 કલાક દરમિયાન સતત વરસેલા વરસાના કારણે ઉત્તર પ્રદેશની પ્રમુખ નદીઓનું જળસ્તર વધવાનું શરુ થઈ ગયું છે. કેન્દ્રીય જળ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, ડલમઉ, ફાફામઉ, પ્રયાગરાજ, મિર્ઝાપુર, વારાણસી, ગાઝીપુર અને બલિયામાં ગંગાનું જળસ્તર જ્યારે કાલાગઢ, મુરાદાબાદ અને બરેલીમાં રામગંગાનું જળ સ્તર વધી રહ્યું છે. તો બાગપત, ઔરૈયા, કાલપી, બાંદા અને પ્રયાગરાજમાં યમુના જ્યારે સીતાપુર, સુલ્તાનપુર અને જૌનપુરમાં ગોમતીનું જળસ્તર વધી રહ્યું છે. હવામાન વિભાગે પ્રદેશમાં આવનારા 24 કલાક દરમિયાન ભારે વરસાદનું અનુમાન લગાવ્યું છે.
મહારાષ્ટ્રમાં ભારે વરસાદને લઈને ઘણા અકસ્માતોના સમાચારો સામે આવ્યા છે. રાજ્યના પાલઘર જિલ્લામાં ભારે વરસાદના કારણે ગઈકાલે પુલનો એક મોટો ભાગ વહી ગયો હતો. જો કે અકસ્માતમાં કોઈ હતાહત થઈ નથી. રાજ્યના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે જવાહર તાલુકાથી પડોશી જિલ્લાના નાસિક સુધી યાતાયાતની આવાજાહી નિલંબિત છે. આમ્બ્રેએ જણાવ્યું કે એક અન્ય ઘટનામાં તોરંગાના ઘાટ ઢાળ પર એક વિશાળ પથ્થર પડતા તે મોખદા ત્રિમ્બકેશ્વર માર્ગ પર સ્થિત એક પુલની દિવાલ સાથે ટકરાયો હતો. તેમણે કહ્યું કે આનાથી મોખદા તાલુકાથી નાસિક સુધી વાહનોની અવરજવર પ્રભાવિત થઈ છે.